Get News Alerts

Never miss breaking news updates.

Gir Somnath : મછુંન્દ્રી ડેમમાં માત્ર 48% પાણી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

Gir Somnath : મધ્ય ગીરમાં આવેલા મછુંન્દ્રી ડેમમાં હાલ માત્ર 48 ટકા પાણીનો સંગ્રહ રહેતા ગીર ગઢડા પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં આગામી દિવસોને લઈને ચિંતા વધી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Aug 2026 12:24 PM IST
Gir Somnath : મછુંન્દ્રી ડેમમાં માત્ર 48% પાણી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધીGir Somnath : મછુંન્દ્રી ડેમમાં માત્ર 48% પાણી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

Gir Somnath

Gir Somnath : ચાલુ વર્ષે ચોમાસું ખેંચાતા ડેમમાં પાણીની આવકમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગીર ગઢડા તાલુકાના ખેડૂતો માટે મછુંન્દ્રી ડેમ જીવાદોરી સમાન છે. ડેમમાંથી તાલુકાના આશરે 21 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમના પાણીમાંથી આશરે 27 ગામોને પીવાના પાણીનો પુરવઠો કરવામાં આવે છે. આમ, મછુંન્દ્રી ડેમનું પાણી ખેતી ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનોની પીવાના પાણીની જરૂરિયાત માટે પણ મહત્વપૂર્ણ છે.

મછુંન્દ્રી ડેમમાં પાણીની ઘટ

મછુંન્દ્રી ડેમ વિસ્તારમાં અત્યાર સુધીમાં આશરે 430 એમએમ એટલે કે 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ડેમ વિસ્તારમાં સરેરાશ આશરે 50 ઇંચ જેટલો વરસાદ પડતો હોવાનું જણાવવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ડેમમાં અપેક્ષા મુજબ પાણીની આવક થઈ શકી નથી.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં મછુંન્દ્રી ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો, જ્યારે આ વર્ષે ઓગસ્ટના અંત સુધીમાં ડેમ માત્ર 48 ટકા ભરાયો છે. ગત વર્ષની સરખામણીએ પાણીનો સંગ્રહ ઘણો ઓછો રહેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મછુંન્દ્રી સિંચાઈ યોજનાના મદદનીશ ઇજનેર કે.ડી. ચાવડાના જણાવ્યા મુજબ, જો હજુ પણ વરસાદ ખેંચાશે તો આગામી દિવસોમાં ખેડૂતોને કેનાલ મારફતે આપવામાં આવતા સિંચાઈના પાણીમાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે.

સારો વરસાદ નહીં પડે તો પાણીકાપની ભીતિ

ડેમમાં કુલ પાણીના જથ્થામાંથી આશરે 5 ટકા પાણી ડેડ સ્ટોરેજ તરીકે રાખવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ વન્યપ્રાણીઓ માટે પાણીની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે કરવામાં આવે છે. હાલ ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો સિંચાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાસ કરીને ખેતી માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા અંગે ખેડૂતોમાં ચિંતા વધી છે. વરસાદ ખેંચાતા ગીર ગઢડા પંથકના ખેડૂતો અને ગ્રામજનો હવે મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને મછુંન્દ્રી ડેમમાં પાણીની આવક વધે તેવી આશા ખેડૂતો અને ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Surat માં ગણપતિ આગમનમાં અવ્યવસ્થા, ભાગદોડ વચ્ચે અનેક ભકતો ધક્કામુક્કીમાં નીચે પટકાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.