Gir ગઢડાના સણોસરીમાં દીપડાની દહેશત, વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કર્યું



Gir Somnath Leopard Attack
Gir ગઢડાના સણોસરીમાં દીપડાની દહેશત, વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કર્યું



Gir Somnath Leopard Attack
Gir Somnath Leopard Attack: ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાની દહેશતને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો દિવસ દરમિયાન પણ દેખાઈ રહ્યો હોવાના કારણે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું છે.

બાળક પર હુમલા બાદ ગામમાં ભયનો માહોલ
મળતી માહિતી મુજબ, ગત 2 ઓક્ટોબરે સણોસરી ગામના ખેતરમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. બાળક માતા પાસે સૂતું હતું ત્યારે દીપડો તેને ઉઠાવી ગયો હતો અને બાદમાં બાળકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો. જોકે, ત્યારબાદ પણ ગામમાં દીપડાની દહેશત યથાવત હોવાનો ગ્રામજનોનો દાવો છે.

શાળાથી માત્ર 100 મીટર દૂર વાછરડાનું મારણ
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સણોસરી પ્રાથમિક શાળાથી માત્ર 100 મીટરના અંતરે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી શાળાની આસપાસ અને ગામમાં ધોળે દિવસે દીપડો દેખાતો હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય ફેલાયો છે. સણોસરી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દીપડાની દહેશતને કારણે આજે પણ વાલીઓએ બાળકોને શાળાએ મોકલ્યા ન હતા.

‘ભણવું છે, પણ દીપડો ભણવા દેતો નથી’
દીપડાના ભયને કારણે બાળકો પણ ઘરની બહાર રમવા કે શાળાએ જવાથી ડરી રહ્યા છે. એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, “ભણવું છે, પણ દીપડો ભણવા નથી દેતો.” ગામમાં દિવસ દરમિયાન પણ દીપડો દેખાતો હોવાના કારણે બાળકોને ઘરની બહાર મોકલવામાં પણ વાલીઓ ખચકાઈ રહ્યા છે.
મંદિર ખાતે વાલીઓ એકઠા થયા
બાળકોની સુરક્ષાને લઈને આજે વાલીઓએ પોતાના કામ-ધંધા બંધ રાખીને ગામના મંદિર ખાતે એકઠા થઈ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ ગામમાં ફરી રહેલા દીપડાઓને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી છે. વન વિભાગ દ્વારા શાળા નજીક એક પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ દીપડો હજુ પણ દિવસ દરમિયાન ગામમાં ફરતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
‘ગામમાં 7થી 8 દીપડા ફરી રહ્યા છે’
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સણોસરી અને આસપાસના વિસ્તારમાં હજુ પણ 7થી 8 દીપડા ફરી રહ્યા છે. જંગલની સરહદ નજીક આવેલા ગામોમાં અવારનવાર દીપડા અને અન્ય વન્યપ્રાણીઓની અવરજવર રહેતી હોવાનો પણ ગ્રામજનોનો દાવો છે. ગ્રામજનોએ વન વિભાગ અને સરકાર સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરી હોવા છતાં પૂરતા પગલાં લેવાતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. હવે બાળકો અને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરાઈ
શાળાની સ્થિતિ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવાયું છે. હાલ વાલીઓની મુખ્ય માંગ છે કે શાળા આસપાસ દીપડાની અવરજવર અટકાવવામાં આવે અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી દીપડાની દહેશત દૂર ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓમાં ભય યથાવત છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





