Gandhinagarમાં શરૂ થયો ‘વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ 2026’! 65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓની હાજરી



Gandhinagar
Gandhinagarમાં શરૂ થયો ‘વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ 2026’! 65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓની હાજરી



Gandhinagar
Gandhinagar: સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તરે પર્યાવરણ તથા સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે એટલે કે 15 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ 2026’ (WCEF 2026)નો પ્રારંભ થઈ રહ્યો છે. દક્ષિણ એશિયામાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમનું ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ફોરમનું આયોજન 15થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે થઈ રહ્યું છે.
‘લોકો અને સમૃદ્ધિ માટે પરિવર્તન’ થીમ સાથે ફોરમ
WCEF 2026ની થીમ ‘Circular Economy: Transition for People and Prosperity’ રાખવામાં આવી છે. ફોરમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દ્વારા સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહેલી પહેલોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો તેમજ વિવિધ દેશો વચ્ચે સહયોગ વધારવાનો છે. સર્ક્યુલર ઈકોનોમી અંતર્ગત ઉપયોગમાં લેવાયેલા ઉત્પાદનો અને સામગ્રીને ફરી ઉપયોગમાં લેવા, રિપેર કરવા અને રિસાયકલ કરીને તેને ફરીથી અર્થતંત્રમાં ઉપયોગી સંસાધન તરીકે પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ જોડાશે
આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 65થી વધુ દેશોના 2 હજારથી વધુ સ્ટેકહોલ્ડર્સ ભાગ લેશે. જેમાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ, સંશોધકો, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સામેલ થશે. ફોરમ દ્વારા ખાસ કરીને ગ્લોબલ સાઉથ સાથે સહયોગ વધારવા, સર્ક્યુલર ફાઇનાન્સ અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ ક્ષેત્રો વચ્ચે ભાગીદારીને વેગ આપવાનો પ્રયાસ થશે.
AIથી લઈને રોજગાર અને ફાઇનાન્સ સુધી ચર્ચા
15 અને 16 સપ્ટેમ્બરના મુખ્ય કાર્યક્રમમાં 4 પ્લેનરી અને 16 સમાંતર થીમેટિક સેશન યોજાશે. આ સત્રોમાં AIનો ઉપયોગ, સર્ક્યુલર ઈકોનોમીમાં રોજગારની તકો, ઊર્જા ઉત્પાદન, ફાઇનાન્સ, ગવર્નન્સ, ટકાઉ ઉત્પાદનો, ઔદ્યોગિક ઉકેલો, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને યુવા નેતૃત્વ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
125થી વધુ એક્ઝિબિટર્સ સાથે વિશાળ એક્સ્પો
ફોરમ સાથે એક વિશેષ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિટર્સ ભાગ લેશે. સ્ટાર્ટઅપ્સ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલા પ્રેક્ટિકલ સર્ક્યુલર સોલ્યુશન્સ તથા રોકાણ માટે તૈયાર ઈનોવેશન્સનું અહીં પ્રદર્શન કરવામાં આવશે.
10 YFP બોર્ડની બેઠક પણ ગાંધીનગરમાં
WCEF 2026ની સાથે જ Sustainable Consumption and Production Patterns પર 10-Year Framework of Programmes (10 YFP)ના બોર્ડની બેઠક પણ 15 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. ભારતે તાજેતરમાં 10 YFP બોર્ડના Co-Chair તરીકેની જવાબદારી સંભાળી છે, જે ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને દર્શાવે છે.
17-18 સપ્ટેમ્બરે 80 એક્સેલરેટર સેશન
મુખ્ય ફોરમ બાદ 17 અને 18 સપ્ટેમ્બરે વૈશ્વિક સહયોગીઓ દ્વારા ગાંધીનગર સહિત વિશ્વના વિવિધ સ્થળોએ 80 એક્સેલરેટર સેશનનું આયોજન કરવામાં આવશે. આ સત્રો ઓનલાઈન, હાઇબ્રિડ અને રૂબરૂ એમ વિવિધ માધ્યમથી યોજાશે. સમગ્ર ફોરમ દ્વારા સર્ક્યુલર ઈકોનોમીના ઉકેલોને વૈશ્વિક સ્તરે આગળ વધારવા માટે નીતિ, ટેક્નોલોજી, રોકાણ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગ પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો : Bharuch: 2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, વિવિધ પ્રકારના કેસોનું સમાધાન






