Gandhinagar News: વિદેશમાં વસે છે અડધું ગામ, પણ દિવાળી મનાવવા વતન આવ્યા પલિયડ ગામના ગ્રામજનો

Gandhinagar News: ગામની અંદાજે 50 ટકા વસ્તી વિદેશમાં વસે છે, પરંતુ દિવાળીનો તહેવાર પરિવાર અને સ્વજનો સાથે વતનમાં જ ઉજવવાનું પસંદ કરે છે.
Kunjan Shukal
Kunjan Shukal
Gandhinagar NewsGandhinagar News

Gandhinagar News

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના પલિયડ ગામના અનેક પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. કોઈ અમેરિકા તો કોઈ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વસે છે. આમ છતાં દિવાળી આવે એટલે આ પરિવારોને વતનની યાદ સતાવે છે અને તેઓ ગામમાં પરત ફરે છે. ગામની અંદાજે 50 ટકા વસ્તી વિદેશમાં વસે છે, પરંતુ દિવાળીનો તહેવાર પરિવાર અને સ્વજનો સાથે વતનમાં જ ઉજવવાનું પસંદ કરે છે. વિદેશમાં વસતા લોકોના આગમનથી પલિયડ ગામમાં ફરી રોનક છવાઈ જાય છે.

ગામની શેરીઓ દિવાળી આવતાં જ ધમધમી ઊઠી

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિતના દેશોમાં રોજગાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે સ્થાયી થયેલા પલિયડના લોકો આજે પણ વતન સાથે એટલો જ લગાવ ધરાવે છે. સામાન્ય દિવસોમાં શાંત રહેતી ગામની શેરીઓ દિવાળી આવતાં જ ધમધમી ઊઠે છે. વિદેશમાં વસતા પરિવારોના આગમનથી આખા ગામમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાય છે. વિદેશમાં સુખ-સુવિધાઓ અને આધુનિક જીવનશૈલી છે, પરંતુ વતનમાં પરિવાર સાથે દિવાળી ઉજવવાનો આનંદ જ અલગ છે. વર્ષભર એકબીજાથી દૂર રહેતા ભાઈઓ, બહેનો અને સ્વજનો દિવાળીના પર્વે એક છત નીચે ભેગા થાય છે. પલિયડના પરિવારો માટે દિવાળી માત્ર તહેવાર નહીં, પરંતુ પરિવાર સાથે ફરી જોડાવાનો અવસર છે.

વિશ્વમાં ગમે ત્યાં રહીએ વતન સાથેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી: ગ્રામજનો

આ વતનપ્રેમમાં નવી પેઢી પણ પાછળ નથી. વિદેશમાં જન્મેલા અને ઉછરેલા બાળકો જ્યારે માતા-પિતા સાથે પલિયડ આવે છે ત્યારે તેમને પોતાના વતનની સંસ્કૃતિ, પરંપરા અને પારિવારિક સંબંધોનો પરિચય મળે છે. ગામની શેરીઓમાં રમવું અને દાદા-દાદી સહિત પરિવારના સભ્યો સાથે તહેવાર મનાવવો તેમના માટે યાદગાર અનુભવ બની રહે છે.

પલિયડના લોકોની આ પરંપરા વતન સાથેના અતૂટ લાગણીના સંબંધની સાક્ષી પૂરે છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં સફળતાપૂર્વક જીવન જીવતા આ પરિવારો માટે દિવાળી એટલે વતન વાપસી. વિદેશની ચમક વચ્ચે પણ ગામની માટીની સુગંધ અને પરિવારનો સાથ તેમને અહીં ખેંચી લાવે છે. ખરેખર, અંતર ભલે હજારો કિલોમીટરનું હોય, પણ વતન સાથેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.

આ પણ વાંચો: Amreli News: કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ધિંગાણું, મહિલાઓ પર પણ હુમલો