Vietnam Flood: વિયેતનામમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, 1,700 ઘરો પાણીમાં ગરકાવ, અનેક માર્ગો પર ભૂસ્ખલન


Vietnam Flood: વિયેતનામમાં ભારે વરસાદથી પૂર, 1,700 ઘરો પાણીમાં ગરકાવ
Vietnam Flood: વિયેતનામમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, 1,700 ઘરો પાણીમાં ગરકાવ, અનેક માર્ગો પર ભૂસ્ખલન


Vietnam Flood: વિયેતનામમાં ભારે વરસાદથી પૂર, 1,700 ઘરો પાણીમાં ગરકાવ
Vietnam Flood: વિયેતનામના મધ્ય ક્વાંગ નગાઈ પ્રાંતમાં શનિવારે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે આશરે 1,700 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને વિવિધ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. સતત વરસાદને પગલે મધ્ય વિયેતનામમાં સ્થિતિ ચિંતાજનક બની છે.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રાંતના 21 કમ્યુન અને વોર્ડ પૂરથી પ્રભાવિત થયા છે. તેમાં થિએન ટિન અને ફુઓક ગિયાંગ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે. થિએન ટિનમાં 1,115 ઘરોમાં પાણી ભરાયાં છે, જ્યારે ફુઓક ગિયાંગમાં 490 ઘરો પૂરથી પ્રભાવિત થયા છે. વહીવટીતંત્રે પૂર અને ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારોમાંથી 83 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
ક્વાંગ નગાઈ ઉપરાંત ગિયા લાઈ, ડાક લાક અને ખાન હોવા પ્રાંતોમાં પણ પૂરનું પાણી ફરી વળ્યું છે. અનેક રહેણાક વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલાક શહેરોના રસ્તાઓ પર પાણીનું સ્તર 30 સેન્ટિમીટરથી વધુ પહોંચ્યું છે. જ્યારે વિવિધ માર્ગો પર ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
30 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
મીડિયા રિપોર્ટ મુજબ, નેશનલ સેન્ટર ફોર હાઈડ્રો-મેટિયોરોલોજિકલ ફોરકાસ્ટિંગે ચેતવણી આપી છે કે 30 નવેમ્બરની સવાર સુધી મધ્ય વિયેતનામના કેટલાક વિસ્તારોમાં 500 મિમીથી વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ પૂર, અચાનક પૂર અને ભૂસ્ખલનનું જોખમ યથાવત્ રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
ઓક્ટોબરમાં ટાઈફૂનથી પણ થઈ હતી ભારે તબાહી
આ પહેલાં ઓક્ટોબરમાં 'ટાઈફૂન મેટમો'ના કારણે ભારે વરસાદ અને પૂરે ઉત્તર તથા ઉત્તર-મધ્ય વિયેતનામમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વિયેતનામ ડિઝાસ્ટર એન્ડ ડાઈક મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ કુદરતી આફતમાં 15થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ટાઈફૂન અને પૂરના કારણે 2.25 લાખથી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે 1,500થી વધુ ઘરોને ગંભીર નુકસાન થયું હતું. આશરે 24 હજાર હેક્ટર ડાંગર અને અન્ય પાક પણ પાણીમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત લગભગ 5.87 લાખ પશુઓ અને મરઘાંનાં મોત થયાં હતાં અથવા તેઓ પૂરનાં પાણીમાં તણાઈ ગયાં હતાં.
કુદરતી આફતને કારણે પરિવહન વ્યવસ્થા પર પણ મોટી અસર
આ કુદરતી આફતને કારણે પરિવહન વ્યવસ્થા પર પણ મોટી અસર થઈ હતી. પૂર અને ભૂસ્ખલનને કારણે 27 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો અને આશરે 1.81 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અનેક પ્રાંતોમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ આંશિક રીતે પ્રભાવિત થઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હે કટોકટીના નિર્દેશો જાહેર કર્યા હતા. તેમને અધિકારીઓને અચાનક પૂર અને ભૂસ્ખલનથી બચાવ માટેની તૈયારીઓ તેજ કરવા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. સતત ભારે વરસાદને કારણે મધ્ય વિયેતનામમાં હાલ પણ સ્થિતિ ચિંતાજનક છે અને વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યું છે.




