ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ: ગુજરાત સરકાર રૂ.231 કરોડથી વધુના પ્રકલ્પો માટે પ્રતિબદ્ધ



Gujarat Rs 231 Crore Guru Ravidas Projects
ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ: ગુજરાત સરકાર રૂ.231 કરોડથી વધુના પ્રકલ્પો માટે પ્રતિબદ્ધ



Gujarat Rs 231 Crore Guru Ravidas Projects
Gujarat Rs 231 Crore Guru Ravidas Projects: 15મી ગુજરાત વિધાનસભાના 9મા સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના નિયમ-44 અંતર્ગત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સૂચિત પ્રકલ્પો માટે રૂ.231 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ વિવિધ પ્રકલ્પો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસજી મહારાજ સમાનતા, સામાજિક ન્યાય, પ્રેમ, કરુણા અને માનવતાના પ્રણેતા હતા. તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવા અને સામાજિક સમરસતાને વધુ વેગ આપવા વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા મુખ્ય પ્રકલ્પોમાં રાજ્ય સ્તરે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે રૂ.40 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. આ ભવનમાં શિક્ષણ, હોસ્ટેલ, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
કોલેજ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સહાય
સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ વિદ્યાશ્રય યોજના હેઠળ કોલેજ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને પીજી સહાય માટે રૂ.50 કરોડ ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ ચેર સેન્ટર બનાવવામાં આવશે.
70 યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો
રાજ્યની 70 યુનિવર્સિટીઓમાં ક્વિઝ કોન્ટેસ્ટ, ઇનામો તથા પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સાથે જ ગુરુ રવિદાસજી મહારાજના જીવન અને કવન અંગે પુસ્તકો તથા ઓડિયો બુક તૈયાર કરવાની પણ યોજના છે. તમામ તાલુકાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ.5.36 કરોડની જોગવાઈ કરવામાં આવશે.
તાલુકા દીઠ સમરસ ભવન અને લાયબ્રેરી
રાજ્યના તમામ તાલુકાઓમાં તાલુકા દીઠ એક સમરસ ભવન અને લાયબ્રેરીના નિર્માણ માટે રૂ.93.80 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલા આશ્રમના સર્વાંગી વિકાસ માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવશે. અનુસૂચિત જાતિના વિવિધ સંતોની કુટિર અને આશ્રમની જગ્યાના આધુનિકરણ તથા નવીનીકરણ માટે પણ રૂ.30 કરોડની ગ્રાન્ટ ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
સામાજિક સમરસતા અને વિકસિત ગુજરાતનો સંકલ્પ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત સૂચિત પ્રકલ્પો માટે સમગ્રતયા રૂ.231 કરોડથી વધુની રકમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને ફાળવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુરુ રવિદાસજી મહારાજના આદર્શોને આત્મસાત કરીને સામાજિક સમરસતા અને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર બને તે દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



