Gujarat Operation Health : ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’નો મોટો સપાટો, 1477 સ્થળોએ તપાસ કરી 175 હોટલોને નોટિસ ફટકારાઈ

Gujarat Operation Health : ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Operation Health હાઇવેની હોટલોમાં ગંદકી મળતા આરોગ્ય વિભાગની તવાઈGujarat Operation Health હાઇવેની હોટલોમાં ગંદકી મળતા આરોગ્ય વિભાગની તવાઈ

Gujarat Operation Health હાઇવેની હોટલોમાં ગંદકી મળતા આરોગ્ય વિભાગની તવાઈ

Gujarat Operation Health : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટના એકમો અને હાઈવે પર આવેલી હોટલો સહિત કુલ 1,477 સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના કુલ 786 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 590 એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, 32 એકમોમાં માત્ર ફ્રોઝન ડેઝર્ટ અને 164 એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર તવાઈ

ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં ન આવે અને તેમને યોગ્ય માહિતી મળી રહે તે માટે આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમોમાં ફરજિયાત માહિતી દર્શાવતા બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી કુલ 691 હોટલોની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન 175 હોટલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ હોટલોને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સંચાલકોએ હોટલો સ્વેચ્છાએ બંધ રાખીને સફાઈ અને જરૂરી સુધારા કર્યા હતા. અન્ય 516 હોટલોને પણ ફૂડ સેફ્ટીના નિયમોનું વધુ સારી રીતે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો નહીં ચાલે

તપાસ દરમિયાન 14 હોટલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં ખામી જણાશે તો સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવા અને જરૂર પડે તો એકમને કાયમી સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપી છે.

ખાણીપીણીના એકમોના કર્મચારીઓ અને વેઈટર્સે હેન્ડ ગ્લોવ્ઝ તથા માથા પર કેપ પહેરવી ફરજિયાત રહેશે. મંત્રીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હવે પછી કોઈ હોટેલમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે અથવા ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો તેની જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ ચાલુ રહેશે. નાગરિકોને પણ ગંદકી કે બેદરકારી જણાય તો આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhuj Palika Garden : ભુજના બાગ-બગીચા બન્યા ઉજ્જડ, કરોડોના ખર્ચ છતાં જાળવણીના અભાવે હાલત દયનીય