બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી


BRICS Youth Delegation Statue of Unity
બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી


BRICS Youth Delegation Statue of Unity
BRICS Youth Delegation Statue of Unity: ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ BRICS દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુવા ડેલિગેટ્સે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી હતી. યુવાનો વચ્ચે પરસ્પર સહકાર, સંવાદ, પરસ્પર સમજણ અને જોડાણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ યુવા પરિષદમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભારતના વિકાસ, સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રનિર્માણના પ્રયાસોને નજીકથી જાણવાનો અવસર મેળવ્યો હતો.

સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણની ગાથા જાણી
એકતા નગર પહોંચેલા BRICS યુવા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન તેમજ ભારતની એકતા અને અખંડિતતાના સંદેશ અંગે માહિતી મેળવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે જાણીતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિનિધિઓને ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના ઐતિહાસિક યોગદાન અને દેશની એકતા માટે તેમના મહત્વપૂર્ણ પ્રયાસોની જાણકારી આપવામાં આવી હતી.

એકતા નગરના વિકાસ મોડેલની પણ માહિતી મેળવી
BRICS પ્રતિનિધિમંડળ માટે એકતા નગરના સર્વાંગી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ, પ્રવાસન આકર્ષણો અને પ્રવાસીઓ માટે ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓ અંગે વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિનિધિઓને એકતા નગરના વિકાસ મોડેલ, પ્રવાસન ક્ષેત્રે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. યુવા ડેલિગેટ્સે ભારતના સાંસ્કૃતિક વારસા સાથે ગુજરાતમાં વિકસાવવામાં આવેલા આધુનિક પ્રવાસન માળખાને પણ નજીકથી સમજ્યું હતું.

ભારતની સાંસ્કૃતિક વિવિધતાની મેળવી ઝલક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન વિવિધ BRICS દેશોમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વારસો અને વિકાસની ઝાંખી મેળવી હતી. આ મુલાકાત તેમના માટે ભારતની એકતા, અખંડિતતા અને ‘વિવિધતામાં એકતા’ના મૂલ્યોને સમજવાનો યાદગાર અનુભવ બની હતી.
યુવાનો વચ્ચે સહકાર અને નવી તકો પર ભાર
BRICS યુવા પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ દેશોના યુવાનો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન, પરસ્પર સમજણ, સહકાર અને નવી તકોનું નિર્માણ કરવાનો છે. આ મુલાકાતથી BRICS દેશોના યુવાનોને એકબીજાની સંસ્કૃતિ અને વિકાસના અનુભવોને સમજવાની સાથે વૈશ્વિક સ્તરે યુવા નેતૃત્વ અને સહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો અવસર મળ્યો હતો.
અધિકારીઓ પણ પ્રતિનિધિમંડળ સાથે જોડાયા
BRICS યુવા પ્રતિનિધિમંડળની સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર નિરવ પારીતોષ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપ દેસાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. એકતા નગરની આ મુલાકાત BRICS દેશોના યુવા પ્રતિનિધિઓ માટે ભારતના રાષ્ટ્રનિર્માણ, સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસને એકસાથે સમજવાનો મહત્વપૂર્ણ અનુભવ બની રહી હતી.




