Mountaineering Competition : ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાશે આરોહણ-અવરોહણ સ્પર્ધા, 20 નવેમ્બર સુધી કરો અરજી


Mountaineering Competition આરોહણ-અવરોહણ સ્પર્ધા 2026
Mountaineering Competition : ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાશે આરોહણ-અવરોહણ સ્પર્ધા, 20 નવેમ્બર સુધી કરો અરજી


Mountaineering Competition આરોહણ-અવરોહણ સ્પર્ધા 2026
Mountaineering Competition : રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર કચેરી દ્વારા આગામી ડિસેમ્બર 2026માં ‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રાજ્યના 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.
આ એક દિવસીય સ્પર્ધાનું આયોજન રાજ્યના પાંચ જાણીતા પર્વતો અને ડુંગરો પર કરવામાં આવશે. સ્પર્ધકોની વયમર્યાદા પ્રમાણે જુનિયર અને સિનિયર એમ બે વિભાગ બનાવવામાં આવ્યા છે. 14થી 18 વર્ષના જુનિયર વિભાગના ભાઈઓ અને બહેનો માટે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પર્વત અને સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલા ઈડરિયો પર્વત પર સ્પર્ધા યોજાશે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં અરજી કરાશે
જ્યારે 19થી 35 વર્ષના સિનિયર વિભાગના યુવક-યુવતીઓ માટે પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત અને વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ સ્થળોએ યુવાનોને પોતાની શારીરિક ક્ષમતા અને સાહસિક કૌશલ્ય દર્શાવવાની તક મળશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો સંબંધિત જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી શકશે.
ઉમેદવારોએ જરૂરી આધાર-પુરાવા સાથે ફોર્મ ભરીને રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પંચમહાલ અથવા વલસાડની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં 20 નવેમ્બર, 2026 સુધીમાં જમા કરાવવાનું રહેશે. પસંદગી પામેલા યુવક-યુવતીઓને સંબંધિત કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.
સ્વખર્ચે આવવા-જવાનું રહેશે
સ્પર્ધામાં ભાગ લેનારા ઉમેદવારોએ નિયત સ્થળે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. જોકે, સ્પર્ધા દરમિયાન સ્પર્ધકો માટે નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનારા તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારો સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકશે. આ સ્પર્ધા યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવા અને તેમની શારીરિક ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ તક બની રહેશે.




