Ahmedabad Mokdrill : રોકેટથી આગ લાગે તો કેવી રીતે બચવું? અમદાવાદમાં ફાયર વિભાગે કરાવ્યો રેસ્ક્યૂ ડેમો

Ahmedabad Mokdrill : અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ દરમિયાન આગની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા વિશેષ ફાયર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Ahmedabad Mokdrill અમદાવાદ મોકડ્રીલ વસ્ત્રાપુરAhmedabad Mokdrill અમદાવાદ મોકડ્રીલ વસ્ત્રાપુર

Ahmedabad Mokdrill અમદાવાદ મોકડ્રીલ વસ્ત્રાપુર

Ahmedabad Mokdrill : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કાસા વ્યોમા ખાતે આ મોકડ્રિલ યોજાઈ હતી. દિવાળીના દિવસોમાં ફટાકડા, ખાસ કરીને રોકેટના કારણે લાગતી આગની ઘટનાઓમાં કેવી રીતે સાવચેતી રાખવી અને આવી પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગે લોકોને જાગૃત કરવાનો આ આયોજનનો મુખ્ય હેતુ હતો.કાસા વ્યોમા રહેણાક પરિસરમાં કુલ 11 બ્લોક આવેલા છે અને તેમાં 500થી વધુ મકાનો છે.

મોટી સંખ્યામાં લોકો વસવાટ કરતા હોવાથી આગ જેવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે અંગે મોકડ્રિલ યોજાઈ હતી. આ માટે પરિસરના ડી બ્લોકના સાતમા માળે આગ લાગી હોવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી.

સ્થાનિકોએ ફાયર વિભાગનો આભાર માન્યો

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. સાતમા માળે ફસાયેલા સ્થાનિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની રેસ્ક્યૂ પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ દ્વારા આગની ઘટના સમયે રહેવાસીઓએ કેવી રીતે બહાર નીકળવું, તાત્કાલિક મદદ કેવી રીતે મેળવવી અને બચાવ કામગીરી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.

આ સમગ્ર મોકડ્રિલમાં અમદાવાદ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ સેવા અને સિવિલ ડિફેન્સની ટીમ જોડાઈ હતી. વિવિધ વિભાગો વચ્ચે સંકલન રાખીને કટોકટીની સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી અને એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને તબીબી સહાય પહોંચાડવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કરાયો હતો.

જાગૃતિની પહેલ મહત્વની છે

દિવાળીના પર્વ દરમિયાન ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે. ખાસ કરીને રોકેટ જેવા ફટાકડા રહેણાક મકાનો, બાલ્કનીઓ કે ખુલ્લી જગ્યામાં પડવાથી આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે. આવી ઘટનાઓથી બચવા માટે ફટાકડા સાવચેતીપૂર્વક ફોડવા, જ્વલનશીલ વસ્તુઓથી દૂર રહેવા અને આગ લાગે ત્યારે ગભરાયા વગર સુરક્ષિત સ્થળે જવા જેવી બાબતો મહત્વપૂર્ણ છે.

આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ માત્ર બચાવ કામગીરીનો અભ્યાસ કરવાનો નહીં, પરંતુ રહેવાસીઓમાં આગ સામે સજાગતા અને સુરક્ષાની સમજ વધારવાનો પણ હતો. દિવાળીના પર્વ દરમિયાન નાગરિકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે આવી જાગૃતિની પહેલ મહત્વપૂર્ણ બની રહી છે.

આ પણ વાંચો : Ahmedabad Police : જમવાની બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો, પત્નીએ પતિને છરીના ઘા મારી પતાવી દીધો