Gujarat Homestay Policy : ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય બન્યો વધુ સરળ, રૂમની મર્યાદા 6 થી વધારી 9 કરાઈ


Gujarat Homestay Policy ગુજરાતમાં હોમસ્ટેના નિયમો સરળ બનાવાયા
Gujarat Homestay Policy : ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય બન્યો વધુ સરળ, રૂમની મર્યાદા 6 થી વધારી 9 કરાઈ


Gujarat Homestay Policy ગુજરાતમાં હોમસ્ટેના નિયમો સરળ બનાવાયા
Gujarat Homestay Policy : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોથી હવે હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો અને તેનું સંચાલન કરવું વધુ સરળ બનશે. નવી સુધારેલી નીતિ હેઠળ હોમસ્ટેમાં મંજૂર રૂમોની મહત્તમ મર્યાદા 6થી વધારીને 9 કરવામાં આવી છે.
આ નિર્ણયથી પ્રવાસન સ્થળોની નજીક આવેલી મિલકતો ધરાવતા નાગરિકો વધુ પ્રવાસીઓને આવાસ સુવિધા આપી શકશે અને તેમની આવકમાં વધારો કરી શકશે.
પોલીસ વેરિફિકેશનની અનિવાર્યતા પણ દૂર
હોમસ્ટે સંચાલન માટે માલિકની પરિસરમાં પ્રત્યક્ષ હાજરીની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. હવે માલિક પોતાની ગેરહાજરીમાં અધિકૃત મેનેજરની નિમણૂક કરીને હોમસ્ટેનું સંચાલન કરી શકશે. આ ઉપરાંત નોંધણી સમયે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત નિયમો અગાઉની જેમ જ લાગુ રહેશે. હોમસ્ટેની નોંધણી હવે બે વર્ષ માટે માન્ય રહેશે.
નોંધણીના રિન્યુઅલ માટે ભૌતિક ચકાસણીની અનિવાર્યતા દૂર કરીને ઓનલાઈન સેલ્ફ-ડિક્લેરેશન દ્વારા રિન્યુઅલની સુવિધા આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ કરવામાં આવી શકશે.
નોંધણી અને રિન્યુઅલ પ્રક્રિયા સરળ કરાઈ
હોમસ્ટે નોંધણી માટે નાગરિકો https://commissionertourism.gujarat.gov.in/home-stay/register વેબસાઈટનો ઉપયોગ કરી શકશે. હોમસ્ટે વ્યવસાયને પ્રોત્સાહન આપવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માર્ગદર્શન વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિલકતનું આયોજન, ભાવ નિર્ધારણ, ડિજિટલ માર્કેટિંગ અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2025-26 દરમિયાન 148 હોમસ્ટે નોંધાયેલા હતા, જ્યારે વર્ષ 2026-27માં આ સંખ્યા વધીને 304 થઈ છે. એટલે કે હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સરકારના આ સુધારાઓથી સ્થાનિક લોકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો અનુભવ મળશે તેમજ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂતી મળશે.




