Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા કાબૂમાં, ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો



Gujarat
Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા કાબૂમાં, ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો



Gujarat
Gujarat: ગુજરાતમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગે કામગીરી વધુ સઘન બનાવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
ડેન્ગ્યુના કેસોમાં 39.6% ઘટાડો
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ વર્ષ 2026માં રાજ્યમાં મેલેરિયાના કેસોમાં 22 ટકા, જ્યારે ડેન્ગ્યુના કેસોમાં 39.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. બેઠકમાં રોગોના નિદાન અને સર્વેલન્સ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ
રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંલગ્ન 42 હોસ્પિટલોના નિદાન કેન્દ્રોમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 1.35 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 2,099 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ પર ભાર
વાહકજન્ય રોગોના અટકાયતી પગલાંના ભાગરૂપે રાજ્યભરમાં ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રીએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુના મચ્છરો અને તેમના પ્રજનન સ્થળોનો નાશ કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવાની સૂચના આપી છે.
CHC-PHCમાં દવા અને ટેસ્ટિંગ કિટની સમીક્ષા
રાજ્યના CHC અને PHC કેન્દ્રો ખાતે તાવ તથા ડેન્ગ્યુના યોગ્ય નિદાન અને સારવારની સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો જથ્થો અને નિદાન કિટ્સ ઉપલબ્ધ રહે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જ્યાં કોઈ અછત જણાય ત્યાં તાત્કાલિક સુવિધા પૂરી પાડવા આદેશ આપવામાં આવ્યા છે.
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમણે નાગરિકોને અફવાઓથી ન ગભરાવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર આસપાસ સ્વચ્છતા જાળવવા તથા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad શહેર પોલીસમાં મોટાપાયે બદલી, 8 PI અને 7 PSIની જગ્યા ફેરબદલ






