Get News Alerts

Never miss breaking news updates.

Gujarat AI Data Center Policy 2026: AI યુગમાં ગુજરાત બનશે દેશનું ‘પ્રાઈમ મુવર’! ડેટા સેન્ટર માટે 7.5 GWનો ટાર્ગેટ, ₹17 લાખ કરોડથી વધુના રોકાણની શક્યતા

Gujarat AI Data Center Policy 2026: ગુજરાત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં દેશનું ‘પ્રાઈમ મુવર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’ અંગે...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 03:47 PM IST
Gujarat AI Data Center Policy 2026: AI યુગમાં ગુજરાત બનશે દેશનું ‘પ્રાઈમ મુવર’! ડેટા સેન્ટર માટે 7.5 GWનો ટાર્ગેટ, ₹17 લાખ કરોડથી વધુના રોકાણની શક્યતાGujarat AI Data Center Policy 2026: AI યુગમાં ગુજરાત બનશે દેશનું ‘પ્રાઈમ મુવર’! ડેટા સેન્ટર માટે 7.5 GWનો ટાર્ગેટ, ₹17 લાખ કરોડથી વધુના રોકાણની શક્યતા

Gujarat AI Data Center Policy 2026

Gujarat AI Data Center Policy 2026: ગુજરાત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં દેશનું ‘પ્રાઈમ મુવર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’ અંગે ચર્ચા દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની AI અને ડેટા સેન્ટર ક્ષેત્રની મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અગાઉ કમ્પ્યુટર અને IT ક્રાંતિ વખતે ભારત પાસે નેતૃત્વ કરવાની તક હતી, પરંતુ તે સમયે જરૂરી આગેવાની ન લેવાઈ. હવે AIના યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત આ ક્ષેત્રનું નેતૃત્વ કરે તે દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે અને ગુજરાત તેમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ડેટા સેન્ટર આજના યુગના ‘Oil Wells’

મંત્રીના જણાવ્યા મુજબ, AI માટે ડેટા અને ડેટા સેન્ટર સૌથી મહત્વપૂર્ણ માળખું છે. તેમણે ડેટા સેન્ટરોને આજના યુગના ‘Oil Wells’ એટલે કે તેલના કૂવા ગણાવ્યા હતા. હાલમાં વિશ્વમાં અંદાજે 122 GW ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે. અમેરિકા 53 GW સાથે અગ્રેસર છે, જ્યારે ચીન પાસે અંદાજે 31 GW ક્ષમતા છે. તેની સામે ભારતની ડેટા સેન્ટર ક્ષમતા માત્ર 1.5 GW જેટલી છે. મંત્રીના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં સર્જાતા કુલ ડેટામાં આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ તેનો માત્ર 2થી 2.5 ટકા જેટલો ડેટા જ દેશમાં સ્ટોર થાય છે. આ સ્થિતિ બદલવા માટે મોટા પાયે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે.

ભારત કરતાં ગુજરાતનો મોટો ટાર્ગેટ

ગુજરાત સરકારે આગામી સમયમાં 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા હાંસલ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ખાસ વાત એ છે કે ભારતની હાલની કુલ ક્ષમતા 1.5 GW છે, જ્યારે ગુજરાતે એકલા હાથે 7.5 GWનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારને અત્યાર સુધીમાં આશરે 17 GW ક્ષમતાના ડેટા સેન્ટર માટે 17 પક્ષો તરફથી EOI મળી ચૂક્યા છે અને કુલ 19 પ્રોજેક્ટ સામે આવ્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ તમામ પ્રોજેક્ટ સાકાર થાય તો ગુજરાતમાં ₹17 લાખ કરોડથી વધુના રોકાણની શક્યતા છે.

ધોલેરા બનશે હાઈટેક ઈન્ડસ્ટ્રીનું હબ

અર્જુન મોઢવાડિયાએ ધોલેરાને ગુજરાત જ નહીં પરંતુ દેશના મોટા સ્માર્ટ સિટી તરીકે વિકસવાની દિશામાં આગળ વધતું ગણાવ્યું હતું. આશરે 900 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ધોલેરા ભવિષ્યમાં હાઈટેક ઈન્ડસ્ટ્રીનું મોટું હબ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. ધોલેરામાં ડેટા સેન્ટર સ્થાપનાર રોકાણકારોને અન્ય લાભો ઉપરાંત 2.5 ટકા વધારાની કેપિટલ સબસિડી મળવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ગ્રીન એનર્જી અને પાણીના ઉપયોગ પર પણ ભાર

ડેટા સેન્ટરોમાં મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. ગુજરાતની નવી પોલિસીમાં ડેટા સેન્ટરો માટે 51 ટકા ગ્રીન એનર્જીના ઉપયોગની જોગવાઈ કરવામાં આવી છે. પાણીની જરૂરિયાત માટે ડિસેલિનેશન પ્લાન્ટ અને પાણીના રિસાયકલિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતે નવી પોલિસીને રોકાણકારો અને પર્યાવરણ બંને માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

સબમરીન કેબલથી ડેટા સેન્ટર ઈકોસિસ્ટમને મળશે વેગ

ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ માટે સબમરીન કેબલ સાથે કનેક્ટિવિટી પણ મહત્વપૂર્ણ છે. આ માટે જ્યાં સબમરીન કેબલ આવશે ત્યાં કેબલ લેન્ડિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. દીવ, ચોરવાડ, પોરબંદર, સુરત અને ધોલેરા જેવા વિસ્તારોમાં આવા કેબલ લેન્ડિંગ સ્ટેશન વિકસાવવાની શક્યતા અંગે મંત્રીએ માહિતી આપી હતી. તેની આસપાસ ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં પણ કામગીરી થઈ રહી છે.

ગુજરાતમાં હજારો હાઈટેક નોકરીઓનું સર્જન થશે

ડેટા સેન્ટર અને AI ક્ષેત્રના વિકાસથી ગુજરાતના યુવાનો માટે મોટી રોજગારીની તકો ઊભી થશે. ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ રીતે હજારો હાઈટેક નોકરીઓનું સર્જન થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મંત્રીના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રના વિકાસ સાથે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય નિષ્ણાતોનું ‘રિવર્સ માઈગ્રેશન’ પણ થઈ શકે છે. ગુજરાતમાં આવનારા મોટા રોકાણોથી નવી પેઢી માટે ટેકનોલોજી ક્ષેત્રે નવી તકો ઊભી થશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]