GMC Election 2026 : ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે યોજાશે મતદાન, 13 ઓક્ટોબરે થશે મતગણતરી


GMC Election 2026 : ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે યોજાશે મતદાન, 13 ઓક્ટોબરે થશે મતગણતરી


GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 44 બેઠકો છે.
26 સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
ચૂંટણી કાર્યક્રમ અનુસાર 21 સપ્ટેમ્બરે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે 26 સપ્ટેમ્બર ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 29 સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. 11 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે અંદાજે 2,200 કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ઓખા, ભાણવડ, થરા નગરપાલિકા માટે પણ યોજાશે મતદાન
મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી સાથે રાજ્યની અન્ય કેટલીક નગરપાલિકાઓમાં પણ મતદાન યોજાવાનું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. આ ચૂંટણીના પરિણામો અને મતગણતરીની પ્રક્રિયા સંબંધિત માહિતી ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિયમો અને કાર્યક્રમ મુજબ હાથ ધરાશે.
ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને પગલે હવે ઉમેદવારી પ્રક્રિયાની શરૂઆત થશે. નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર ગાંધીનગર સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંબંધિત બેઠકો અને ચૂંટણી પ્રક્રિયાની માહિતી ઉપલબ્ધ છે.





