Surat Police : સુરતમાં નકલી પોલીસ બની અપહરણ અને ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, સરથાણા પોલીસની મોટી કાર્યવાહી


Surat Police નકલી પોલીસ ઝડપી પાડી
Surat Police : સુરતમાં નકલી પોલીસ બની અપહરણ અને ખંડણી વસૂલતા 4 આરોપી ઝડપાયા, સરથાણા પોલીસની મોટી કાર્યવાહી


Surat Police નકલી પોલીસ ઝડપી પાડી
Surat Police : આરોપીઓએ ફરિયાદીને ગેરકાયદેસર ધંધો કરતા હોવાનો આરોપ લગાવી રૂ. 50 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ તેને અને સાહેદોને ઇનોવા કારમાં બેસાડી લઈ જઈ બળજબરીપૂર્વક રૂ. 4 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સરથાણા વિસ્તારમાં મહાવીર ચોક પાસે આવેલા ધ ગેલેરિયા નજીક આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.
આ દરમિયાન તેમણે પોતે ગાંધીનગર પોલીસમાંથી હોવાની ખોટી ઓળખ આપી હતી. ફરિયાદી ગેરકાયદેસર ધંધો કરતો હોવાનો આરોપ લગાવી તેની સામે મોટો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ રીતે ફરિયાદી પાસે રૂ. 50 લાખની ખંડણી માગવામાં આવી હતી.
ખોટી પોલીસ ઓળખ આપી ખંડણીનું કૌભાંડ
આરોપીઓની ધમકી બાદ ફરિયાદી અને સાહેદોને સફેદ રંગની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરીને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રૂ. 4 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવને પગલે સરથાણા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સરથાણા પોલીસની સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ તપાસના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દક્ષભાઈ કાંતિભાઈ હરાણી, યશભાઈ ઉર્ફે નીમેશ બારૈયા, સાહિલ લક્ષ્મણભાઈ પરમાર અને રોનકકુમાર દશરથકુમાર ગૌસ્વામીની ધરપકડ કરી છે.
સરથાણા પોલીસે ચાર આરોપીઓને દબોચ્યા
પોલીસે આરોપીઓ પાસેથી સફેદ રંગની ઇનોવા કાર, જેની અંદાજિત કિંમત રૂ. 15 લાખ છે, ચાર મોબાઇલ ફોન, જેની કિંમત રૂ. 70 હજાર છે, તેમજ રૂ. 2 લાખ રોકડ જપ્ત કરી છે. આમ, કુલ રૂ. 17.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચીને તેમની ધરપકડ કરી છે. પોલીસની ખોટી ઓળખ આપી કાયદાનો ડર બતાવી નાગરિકો પાસેથી નાણાં પડાવવાનો આ બનાવ ગંભીર બાબત છે. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





