Mehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનો

Mehsana News: મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાંથી એક એવી જ કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 06:00 PM IST
Mehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનોMehsana News: ખેરાલુના થાંગણા ગામમાં પ્રેમસંબંધમાં યુવકની કરાઈ કરપીણ હત્યા, પોલીસે ચાર લોકો સામે નોંધ્યો ગુનો

Mehsana News

Mehsana News: પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ સમાજના કેટલાક રૂઢિચુસ્ત લોકો માટે પ્રેમ એ મોતની સજા સમાન બની જાય છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાંથી એક એવી જ કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. સિદ્ધપુરના વાઘરોલ ગામનો એક યુવક મધરાત્રે પોતાની પ્રેમિકાને મળવા ખેરાલુના થાંગણા ગામે પહોંચ્યો હતો.

યુવકે તરફડીને દમ તોડી દીધો

પરંતુ તેને ક્યાં ખબર હતી કે પ્રેમિકા સાથેની આ મુલાકાત તેની જિંદગીની આખરી મુલાકાત બની રહેશે! પ્રેમિકાના જ પરિવારજનોએ કાળ બનીને યુવકને આંબલીના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધો અને ધોકા વડે એટલો બેરહેમીપૂર્વક માર માર્યો કે યુવકે તરફડીને દમ તોડી દીધો. કેવી રીતે ખેલાયો થાંગણાની અંધારી રાતમાં આ ખૂની ખેલ, જુઓ આ ખાસ અહેવાલમાં.

યુવક ઘરેથી નોકરી જવાનું કહીને નીકળ્યો હતો

ઘટના છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના થાંગણા ગામની. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામમાં રહેતો 31 વર્ષીય રણજીતજી ચતુરજી ઠાકોર સિદ્ધપુરની ચોલા ફાઈનાન્સ ઓફિસમાં ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. રણજીતના અગાઉ લગ્ન થયા હતા પરંતુ મનમેળ ન આવતા છૂટાછેડા થઈ ચૂક્યા હતા. આ દરમિયાન રણજીતને છેલ્લા બે વર્ષથી ખેરાલુના થાંગણા ગામે રહેતી ચારૂલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત 27 ઓક્ટોબરના રોજ રણજીત નિત્યક્રમ મુજબ ઘરેથી નોકરી જવાનું કહીને નીકળ્યો હતો અને રાત્રે માતાએ ફોન કરતા મોડું થશે તેવું જણાવ્યું હતું.

પરંતુ પ્રેમમાં પાગલ રણજીત મધરાત્રે આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે પોતાની પ્રેમિકા ચારૂલને મળવા થાંગણા ગામે તેના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં યુવતીની માતા હંસાબેન અને ભાઈ હિતેશજી જાગી જતાં રણજીત રંગેહાથ પકડાઈ ગયો હતો. બસ, ત્યારબાદ પ્રેમિકાના પરિવારજનો પર ખૂન સવાર થઈ ગયું. રણજીતને ઘરની દક્ષિણ બાજુએ આવેલા આંબલીના ઝાડના થડે હાથ-પગે દોરડા વડે બાંધી દેવામાં આવ્યો. યુવતીની માતા હંસાબેન, ભાઈ હિતેશજી, કાકા ભેમાજી અને સાકરી ગામથી બોલાવેલા મામા રામાજી ઠાકોરે ભેગા મળીને રણજીત પર ધોકા વડે તૂટી પડ્યા હતા. રાતના અંધારામાં રણજીતની ચીસો ગુંજતી રહી, પણ નિર્દય બનેલા પરિવારજનોને જરાય દયા ન આવી અને આડેધડ માર મારીને તેને અધમૂઓ કરી નાખ્યો.

ખેરાલુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

આ તરફ વહેલી સવારે રણજીતના પરિવારજનોને ફોન મારફતે જાણ થઈ કે રણજીતને થાંગણા ગામે પકડી રાખવામાં આવ્યો છે અને માર મારવામાં આવ્યો છે. આ સમાચાર મળતાં જ મૃતકના પિતા ચતુરજી ઠાકોર અને અન્ય કુટુંબીજનો તાત્કાલિક બે ગાડીઓ ભાડે કરીને સવારે નવ વાગ્યાના સુમારે થાંગણા ગામે દોડી આવ્યા હતા. જ્યારે પરિવારજનો યુવતીના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આંબલીના ઝાડ નીચે એક લોખંડના ખાટલામાં કંતાનનો કોથળો ઓઢાડેલી હાલતમાં રણજીત પડ્યો હતો. પિતાએ કોથળો હટાવીને જોયું તો તેમનો વહાલસોયો દીકરો નિષ્પ્રાણ બની ચૂક્યો હતો. રણજીતની પીઠ, બરડા, ગળા અને હાથ-પગ પર ધોકાના મારથી કાળા ચાઠા પડી ગયા હતા, તેમજ તેના ગળામાં રહેલો દોઢ તોલાનો સોનાનો દોરો પણ ગાયબ હતો. પરિવારે તાત્કાલિક 112 પર કોલ કરતા ખેરાલુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને મૃતકના પિતા ચતુરજી ઠાકોરની ફરિયાદના આધારે યુવતીના ભાઈ હિતેશજી ઠાકોર, કાકા ભેમાજી ઠાકોર, મામા રામાજી ઠાકોર અને માતા હંસાબેન ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Surat News: રૂપિયા 1.50 કરોડની વીમા છેતરપિંડીનો પર્દાફાશ, ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.