Police Panchat : માધુપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટની નવી ગોઠવણ! અમદાવાદના બે પોલીસ સ્ટેશન વચ્ચે કથિત ઉઘરાણીને લઈ જંગ


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
Police Panchat : માધુપુરા પોલીસ સ્ટેશનમાં વહીવટની નવી ગોઠવણ! અમદાવાદના બે પોલીસ સ્ટેશન વચ્ચે કથિત ઉઘરાણીને લઈ જંગ


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
માધુપુરામાં ASI બાબુ કાકાએ વહીવટને ગતી આપી અને ભરત લંગડાએ વિસ્તારમાં ઉઘરાણી ચાલુ રાખી
માધુપુરા વિસ્તાર મસાલા માર્કેટ તરીકે ઓળખાય છે, પણ હવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈએ અગાઉ તો વહિવટદાર બદલી નાખ્યા ત્યારબાદ એક ખાનગી માણસ અને પોલીસ સ્ટેશનના એએસઆઈ એવા બાબુકાકાને વહિવટની કમાન સોંપી છે, તો આ બાબુકાકાની સાથે કિરીટસિંહ પણ મદદમાં હોવાની વાત સામે આવી છે અને કિરીટસિંહ અને બાબુકાકાની જોડીની સાથે સાથે ભરત લંગડાએ પણ માધુપુરામાં રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.
તો પીઆઈએ જે વહિવટદાર રાખ્યા છે તેમની નોકરી પણ માધુપુરા પોલીસ સ્ટેશનમાં જ છે, ત્યારે માધુપુરા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ પણ વધુ થતું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, તો એક પોલીસ સ્ટેશનમાં એટલી તો શું મલાઈ મળતી હશે કે ત્રણ લોકો બજારમાં દિવાળીના સમયે પુરપાટ ઝડપે દોડી રહ્યાં છે, તો એએસઆઈ કાકાને પણ ટૂંક સમયમાં કે કંપનીમાં શ્રી ગણેશ કરવા પડે તો નવાઈ નહી.
દિવાળીના ઉઘરાણાને લઈ બે પોલીસ સ્ટેશન વચ્ચે વિવાદ વકર્યો
અમદાવાદ શહેરની હદમાં 3 નવા પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક થઈ ગઈ છે અને થોડાક સમય પહેલા જ પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે, જે નવા પોલીસ સ્ટેશનની હદ નક્કી કરાઈ છે તે મૂજબ દિવાળીના ઉઘરાણાને લઈ વિવાદ શરૂ થયો છે, વિસત સર્કલની નજીક આવેલા એક પોલીસ સ્ટેશન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક નવા મંજૂર થયેલા પોલીસ સ્ટેશનમાં વહિવટદાર પણ આવી ગયા છે.
ત્યારે બે પોલીસ સ્ટેશનમાં હદ નક્કી છે પણ ઉઘરાણાને લઈ વિવાદ વકર્યો છે, જૂના પોલીસ સ્ટેશનના વહિવટદારોનું કહેવું છે કે, આખુ વર્ષ અમે મહેનત કરી અને તમારે તો હજી એક મહિનો જ થયો છે તો દિવાળીનો ઉઘરાણીનો લાભ અમને જ મળવો જોઈએ તો બીજા પોલીસ સ્ટેશનના વહિવટદારનું કહેવું છે કે હદ અમારી છે તો લાભ પણ અમારો જ હોવો જોઈએ, તો આ સમગ્ર મામલો પીઆઈ સુધી પહોંચ્યો હતો તો પીઆઈએ પણ મગનું નામ મરી પાડયું નહી, અને વિવાદ આજ દિન સુધી ચાલુ જ છે. અરે ભાઈ દિવાળી તો લેવાની જ છે બજારમાંથી તો પછી નક્કી કરીને સરખું લઈ લો ને શું કામ વિવાદમાં પડી વાત ચીકણી કરો છે.
અમદાવાદ પોલીસના ટ્રાફિક H ડિવિઝનની ફરજ ફાળવણીના નામે ચાલતા કથિત હપ્તારાજનો પર્દાફાશ
અમદાવાદ પોલીસ વિભાગમાં ટ્રાફિક ડિવિઝનની ફરજ ફાળવણીના નામે ચાલતા કથિત હપ્તારાજનો પર્દાફાશ થયો છે. ટ્રાફિક-ઈ અને ટ્રાફિક-એચ ડિવિઝનમાં હોમગાર્ડ કર્મચારીઓને ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવા માટે દર મહિને રૂ. 1,000નો હપ્તો ચૂકવવાની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા છટકું ગોઠવી રૂ. 2,000ની લાંચ લેતા હોમગાર્ડ કર્મચારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
જ્યારે આ કેસમાં કુલ ચાર હોમગાર્ડ કર્મચારીઓ આરોપી તરીકે સામે આવ્યા છે. ફરિયાદી હોમગાર્ડ કર્મચારીને એચ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ ફાળવવાનું કામ આરોપી વિજયભાઈ બી. જાદવ (ડિવિઝન કમાન્ડર), પંકજભાઈ લલ્લુભાઈ પરમાર (કમ્પ્યુટર ઓપરેટર) અને હર્ષમય જશવંતભાઈ સૂર્યવંશી કરતા હતા. આક્ષેપ મુજબ, ડિવિઝન કમાન્ડર વિજયભાઈ જાદવ ફરિયાદીને વારંવાર બોલાવી ટ્રાફિકમાં ફરજ બજાવવી હોય તો દર મહિને રૂ. 1,000નો 'મીટર' એટલે કે હપ્તો આપવો પડશે તેવી માંગણી કરતા હતા. જો હપ્તો નહીં આપે તો ટ્રાફિકની ફરજમાંથી છૂટા કરી ફરી ડિવિઝનમાં નાઇટ ડ્યુટીમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવતી હોવાની વાત પણ સૂત્રો તરફથી સામે આવી છે, મહત્વની વાત છે કે આ એચ ટ્રાફિક ડિવિઝનમાં મહેરામણનું રાજ ચાલે છે તેવી વાત બજારમાં વહેતી થઈ છે.
ટ્રાફિકમાં રોડ પરની ઉઘરાણી બંધ થઈ તો નાના વેપારીઓને દંડાત્મક કાર્યવાહીના નામે ઉઘરાણા શરૂ કરાયા ?
અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈ સમસ્યા તો છે સાથે સાથે શહેર પોલીસનો ટ્રાફિક સમસ્યાને કેમ દૂર કરવી તેને લઈ મથી રહી રહી છે, તો મહત્વની વાત એ છે કે, અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસ સ્થળ ઉપર મેમો કે કોઈ પણ પ્રકારનો દંડ આપતી નથી ફકત ટ્રાફિક ન સર્જાય તેનું મેનેજમેન્ટ કરી રહી છે, મહત્વની વાત છે કે, પહેલા દંડના નામે પોલીસ વાહનચાલકો પાસેથી કટકી કરી લેતી હતી પણ એ તો હાલમાં બંધ થઈ ગયું છે, દિવાળી નજીક છે અને ખર્ચો કઈ રીતે કાઢવો તેને લઈ ટ્રાફિકના વહિવટદારો પણ દોડતા થયા છે.
તો સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે, શહેરના પોલીસ સ્ટેશનના વહિવટદારોની સાથે ટ્રાફિકના વહિવટદારો પણ સક્રિય થયા છે, રોડ પર ધંધો કરો છો અને ટ્રાફિક કરો છો તેમ કહી દિવાળી ઉઘરાવાનું શરૂ કર્યુ છે, તો નાના વેપારીઓને પણ ધંધો કરવો છે તેને લઈ તેઓ પણ પોલીસ જોઈને રૂપિયા આપી દે છે અને પોલીસ પણ દમ મારીને રૂપિયા લઈ લે છે, પીસીઆર દીઠ અલગ રૂપિયા અને વહિવટદાર અને અન્ય સ્ટાફના અલગ રૂપિયાની ઉઘરાણી થતા નાના વેપારીઓને પણ માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.
ગુમ કે ચોરાયેલા મોબાઈલને બ્લોક કરવા કે ટ્રેસ કરવામાં 50.75 ટકાના રિકવરી રેટ સાથે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે
ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવા અને તેને ઝડપથી શોધી કાઢવા માટે કાર્યરત 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓના નોડલ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તા.27 ઓક્ટોબર 2026ના રોજ આયોજિત વિશેષ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને શીલ્ડ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.નાણાકીય વર્ષ 2026-27ના તા.1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026ના પરફોર્મન્સ ડેટા મુજબ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ શહેરની કામગીરી શ્રેષ્ઠ રહી છે.
જેમાં પ્રથમ ક્રમમાં આણંદ જિલ્લાના સાયબર સેલ, પી.આઈ. જયમીન ડોડિયા, દ્વિતીય ક્રમમાં ડાંગ જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ. જે. જી. અનડકટ તેમજ તૃતીય ક્રમમાં અમદાવાદ શહેરના એ.એસ.આઈ. ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ એ શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ અધિકારીઓએ ટેકનોલોજી આધારિત અને સિટીઝન સેન્ટ્રીક પોલીસિંગ દ્વારા ગુમ કે ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ તેમજ રિકવર કરવામાં પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે.તા. 26 ઓક્ટોબર 2026 સુધીના ડેટા એનાલિસિસ મુજબ, સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 37.4% રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે 50.75% નો ઊંચો રિકવરી રેટ હાંસલ કરીને દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી 1,47,427 હેન્ડસેટ ટ્રેસ થયા છે અને 74,823 મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર 2025 દરમિયાન ગુજરાતનો રિકવરી દર 41% હતો, જેમાં આ વર્ષે 9.75 ટકાવારી પોઈન્ટનો નોંધપાત્ર વધારો આવ્યો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





