Health Department : નકલી દવા-ભેળસેળિયાઓ સામે તવાઈ, ગુજરાતમાં 42,988 કિલો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરાયો



Health Department
Health Department : નકલી દવા-ભેળસેળિયાઓ સામે તવાઈ, ગુજરાતમાં 42,988 કિલો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરાયો



Health Department
Health Department : ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગેની સમીક્ષા દરમિયાન મંત્રીએ નકલી દવા, ગેરકાયદેસર દવાઓ અને ભેળસેળયુક્ત ખાદ્યચીજોના વેપાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
FDCA દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત, રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કરાયા છે. 11 દવાઓના બનાવટ પરવાના પણ રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યના 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરોની તપાસ દરમિયાન 3ને ક્લોઝર ઓર્ડર અને 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
50 દવા પેઢીના લાયસન્સ રદ
નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે પણ તંત્રએ કાર્યવાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં સઘન તપાસ ઉપરાંત વડોદરાના વાઘોડિયામાં ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરાયો છે. બીજી તરફ, નકલી ‘Nicardia Retard 10’ ટેબ્લેટના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ લંબાવવામાં આવી છે.
30થી વધુ સ્થળોએ તપાસ દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ખાદ્યચીજોની વાત કરીએ તો ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય એકમોની તપાસ કરવામાં આવી હતી અને 2,591 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો, જેની અંદાજિત કિંમત રૂ.93.47 લાખ છે, જપ્ત કરવામાં આવ્યો છે.
ભેળસેળિયા વેપારીઓ સામે કડક એક્શન
આ કાર્યવાહીમાં પાટણમાંથી તેલ, સુરતના કામરેજમાંથી ઘી, જામનગરમાંથી દૂધ અને બનાસકાંઠાના ડીસામાંથી મરચાં પાઉડરનો મોટો જથ્થો ઝડપાયો છે. રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સ્વચ્છતા તથા ગુણવત્તા ચકાસવા માટે પણ 1,625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું. ગંભીર ક્ષતિઓ બદલ 38 એકમો સામે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી.
આ ઉપરાંત શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવા મંત્રીએ તંત્રને આદેશ આપ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો : Amreli ના રાજુલા-જાફરાબાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




