Gujarat Motor Vehicle Rules : ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો અને ચિહ્નો પર પ્રતિબંધ, મોટર વાહન નિયમોમાં સુધારો કરાયો

Gujarat Motor Vehicle Rules : ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Motor Vehicle Rules જાતિસૂચક લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધGujarat Motor Vehicle Rules જાતિસૂચક લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ

Gujarat Motor Vehicle Rules જાતિસૂચક લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ

Gujarat Motor Vehicle Rules : રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિર્ણય હેઠળ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ અને ટ્રક સહિત ખાનગી વાહનો પર જાતિસૂચક ઓળખ દર્શાવતા લખાણ કે સંકેતો મૂકવા પર પ્રતિબંધ રહેશે.

રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન નિયંત્રિત કરવાનો છે.

મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ

ગુજરાત મોટર વાહન નિયમોના નિયમ 125ના પેટાનિયમ (1)માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉની જોગવાઈમાં ‘No advertising device, figure’ શબ્દોનો ઉલ્લેખ હતો, જેમાં હવે ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આ ફેરફારથી વાહનો પર જાતિ દર્શાવતા સંકેતો અને ચિહ્નો અંગે સ્પષ્ટ નિયમન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે.

નવી જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવેલા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતાં ચિહ્નો, આકૃતિઓ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

બાઈકથી લઈને બસ-ટ્રક સુધી લાગુ પડશે નિયમ

આ સુધારો તમામ પ્રકારના ખાનગી વાહનોને લાગુ પડશે. વાહનો પર જાતિસૂચક શબ્દો, ઓળખ દર્શાવતા સંકેતો, સ્ટિકર, આકૃતિઓ કે લખાણ મૂકવાની બાબત હવે નિયમન હેઠળ આવશે. રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા અપવાદો સિવાય આ પ્રકારના પ્રદર્શનને મંજૂરી નહીં મળે. આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

આ અંગે લોકો પાસેથી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં રાજ્ય સરકારે હવે અંતિમ સુધારા જાહેર કર્યા છે. આ નિર્ણયથી ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા લખાણ અને ચિહ્નોના પ્રદર્શન અંગે કાયદાકીય સ્પષ્ટતા આવી છે. નવા નિયમો બાદ વાહનચાલકોએ પોતાના વાહન પરના લખાણ અને ચિહ્નો અંગે નિયમોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો : Surat Pal Bike Accident : સુરતના પાલમાં બાઈકચાલકની ટક્કરથી મહિલાનું મોત, બે બાળક માતા વિહોણા બન્યા