Gandhinagar ને રૂ.1848 કરોડની વિકાસ ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાતો



Gandhinagar Development Work
Gandhinagar ને રૂ.1848 કરોડની વિકાસ ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાતો



Gandhinagar Development Work
Gandhinagar : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ ગાંધીનગરના વિકાસ અને તેની વૈશ્વિક ઓળખ અંગે મહત્વની વાતો કરી હતી.
ગાંધીનગરના વિકાસને નવી ગતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગર અનેક વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ્સનું યજમાન બનતું રહે છે. સાથે જ વડાપ્રધાનના દિશાદર્શનમાં તૈયાર થયેલું GIFT City પણ આજે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. આ વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગરમાં કેટલાક મહત્વપૂર્ણ આઈકોનિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કુલ રૂ.48.26 કરોડના નવા વિકાસકાર્યોની જાહેરાત પણ કરી હતી. ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિક ભારણને પહોંચી વળવા માટે ભાટ કોટેશ્વર ક્રોસિંગ ખાતે અંડરપાસના નિર્માણ માટે રૂ.20.76 કરોડ ફાળવવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની આશા છે.
અંડરપાસ, બ્રિજ અને રોડ માટે કરોડોની ફાળવણી
આ ઉપરાંત રક્ષાશક્તિ સર્કલથી GIFT City-શાહપુર તરફ જતા સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતીકરણ માટે રૂ.12.80 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્રિજની મજબૂતીકરણ કામગીરીથી કનેક્ટિવિટી અને સલામતી વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. GIFT Cityથી પી.ડી.પી.યુ. તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે રૂ.7.70 કરોડ ફાળવવામાં આવશે. આ સાથે રક્ષાશક્તિ સર્કલથી GIFT City સર્કલ સુધી રોડ સેફ્ટી અને પેવરના કામો માટે રૂ.7 કરોડ ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ વિકાસકાર્યોનો હેતુ ગાંધીનગરની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો છે. ખાસ કરીને GIFT City અને આસપાસના વિસ્તારોમાં વધતી ટ્રાફિક અવરજવર અને આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને રોડ કનેક્ટિવિટી અને સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. રૂ.1848 કરોડના વિકાસકાર્યો સાથે ગાંધીનગરના શહેરી વિકાસને નવી ગતિ મળવાની આશા છે. જ્યારે રૂ.48.26 કરોડના નવા કામો શહેરના મહત્વપૂર્ણ ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ્સને વધુ મજબૂત બનાવશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





