Get News Alerts

Never miss breaking news updates.

Anjar industrial safety seminar: OHS કોડ-2020ના અમલીકરણ અંગે સેમિનાર, 130 પ્રતિનિધિઓ જોડાયા

Anjar industrial safety seminar: કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓની સુરક્ષા, વ્યવસાયિક આરોગ્ય અને કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે જાગૃતિ વધારવા માટે અંજારમાં DISH અને FOKIAના સંયુક્ત ઉપક્રમે અર્ધદિવસીય સેમિનાર યોજાયો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 11 Oct 2026 12:01 PM IST
Anjar industrial safety seminar: OHS કોડ-2020ના અમલીકરણ અંગે સેમિનાર, 130 પ્રતિનિધિઓ જોડાયાAnjar industrial safety seminar: OHS કોડ-2020ના અમલીકરણ અંગે સેમિનાર, 130 પ્રતિનિધિઓ જોડાયા

Anjar industrial safety seminar

Anjar industrial safety seminar: કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓની સુરક્ષા, વ્યવસાયિક આરોગ્ય અને કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે જાગૃતિ વધારવા માટે અંજારમાં DISH અને FOKIAના સંયુક્ત ઉપક્રમે અર્ધદિવસીય સેમિનાર યોજાયો હતો. ‘સ્કેલિંગ સેફ્ટી એન્ડ કમ્પ્લાયન્સ : નેવિગેટિંગ OHS કોડ-2020’ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છના 75થી વધુ ઉદ્યોગોના અંદાજે 130 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના અમલીકરણ પર ભાર

ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક વિભાગ (DISH) તથા ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (FOKIA) દ્વારા આયોજિત આ સેમિનારમાં OHS કોડ-2020ની જોગવાઈઓ, તેના વ્યવહારુ અમલીકરણ અને ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરની કામગીરીને કાયદાકીય માળખા સાથે સુસંગત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં કચ્છના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વાય. આઈ. પેન્ડાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર, રાજકોટના જોઇન્ટ ડિરેક્ટર એચ. એસ. પટેલે OHS કોડ-2020ની પ્રાસંગિકતા સમજાવી હતી. તેમણે ઉદ્યોગોમાં સંહિતાના અસરકારક અમલીકરણ માટે જરૂરી તૈયારીઓ પર ભાર મૂક્યો હતો.

ઉદ્યોગોને કાયદાકીય અનુપાલન અંગે માર્ગદર્શન

ગુજરાત રાજ્યના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના ડાયરેક્ટર પી. એમ. શાહે મુખ્ય વક્તા તરીકે ઉદ્યોગ પ્રતિનિધિઓને સંહિતાની વિવિધ જોગવાઈઓ અને તેના વ્યવહારુ અમલીકરણ અંગે માહિતી આપી હતી. તેમણે ઔદ્યોગિક એકમોની દૈનિક કામગીરીમાં સલામતી અને આરોગ્ય સંબંધિત નિયમોનો યોગ્ય સમાવેશ થાય તેમજ કાયદાકીય જવાબદારીઓ અંગે સ્પષ્ટ સમજ વિકસે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સેમિનારના પ્રથમ ટેક્નિકલ સેશનમાં એકોર્ડ હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર તથા FOKIAના ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ વેલબીઇંગ વિભાગના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. જ્ઞાનેશ્વર રાવે ‘ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સને OHS કોડ-2020 સાથે સુસંગત બનાવવા’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કર્મચારીઓના આરોગ્યની જાળવણી, નિવારક આરોગ્યસંભાળ અને ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરની અસરકારક કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું.

બીજા ટેક્નિકલ સેશનમાં પી. એમ. શાહે OHS કોડ-2020ની વિવિધ જોગવાઈઓ અને ઔદ્યોગિક એકમો પર તેની વ્યવહારુ અસરો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ઉદ્યોગોની હાલની વ્યવસ્થાઓમાં સલામતી અને આરોગ્યના નિયમોનો સમાવેશ કરવા તથા કાયદાકીય અનુપાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.

DISHના અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા

કાર્યક્રમ દરમિયાન DISHના અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે પ્રશ્નોત્તરી અને ચર્ચા-વિચારણા યોજાઈ હતી. આ સત્રમાં પ્રતિનિધિઓને કાયદાકીય અનુપાલન સંબંધિત પ્રશ્નો રજૂ કરવાની અને ટેક્નિકલ સ્પષ્ટતા મેળવવાની તક મળી હતી. કાર્યસ્થળની સલામતીને માત્ર કાયદાકીય જવાબદારી નહીં, પરંતુ ઔદ્યોગિક વ્યવસ્થાપનના અભિન્ન હિસ્સા તરીકે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

આ પ્રસંગે DISHના ડાયરેક્ટર પી. એમ. શાહ, જોઇન્ટ ડિરેક્ટર એચ. એસ. પટેલ, અમદાવાદના જોઇન્ટ ડિરેક્ટર સી. પી. ધોળુ, કચ્છના ડેપ્યુટી ડિરેક્ટર વાય. આઈ. પેન્ડાલ, FOKIAના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે, અદાણી એન્ટરપ્રાઇઝિસના એજીએમ જૈનિલ પુરોહિત અને ડૉ. જ્ઞાનેશ્વર રાવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે વેલસ્પન ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ – કોર્પોરેટ અફેર્સ ભગીરથસિંહ જાડેજાએ આભારવિધિ કરી હતી. સેમિનારનું આયોજન અને સંકલન FOKIAની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શિવાની ભગત, વંદના વૈષ્ણવ, ઓમ સોની, કુશ પંડ્યા, ભરત બારોટ અને કિશોર બડગાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ સેમિનાર દ્વારા કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓની સુરક્ષા, વ્યવસાયિક આરોગ્ય અને કાયદાકીય અનુપાલન અંગે જાગૃતિ વધારવા તેમજ ઉદ્યોગો અને સરકારી તંત્ર વચ્ચે સંકલન મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar Election: મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો નિર્ણય

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.