Gandhinagar Election: મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો નિર્ણય



Gandhinagar Election
Gandhinagar Election: મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો નિર્ણય



Gandhinagar Election
Gandhinagar Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મનપાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 295 મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 44-44, આમ આદમી પાર્ટીના 31 સહિત કુલ 130 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
મેયર અને ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
ગાંધીનગર મનપાની ચૂંટણી દરમિયાન મેયર અને વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, એક યુવા મતદારે પણ મતાધિકારનો ઉપયોગ કરીને તમામ યુવાનોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
295 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આશરે 1130 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગાંધીનગરમાં 2.59 લાખથી વધુ મતદારો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાયેલી આખરી મતદાર યાદી મુજબ કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. તેમાં 1,32,285 પુરુષ મતદારો, 1,27,149 મહિલા મતદારો અને અન્ય કેટેગરીના 9 મતદારોનો સમાવેશ થાય છે.
આ મતદારો 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૂંટણી માટે કંટ્રોલ રૂમ કાર્યરત
મતદાન દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે અને ચૂંટણી સંબંધિત રજૂઆતોનું ઝડપથી નિરાકરણ લાવી શકાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ મતદાનના દિવસે તેમજ 13 ઑક્ટોબરે મતગણતરીના દિવસે પણ કાર્યરત રહેશે.
ચૂંટણી સંબંધિત માહિતી અથવા રજૂઆત માટે નાગરિકો 079-23259035 નંબર પર સંપર્ક કરી શકે છે. હવે મતદાન પૂર્ણ થયા બાદ 13 ઑક્ટોબરે યોજાનારી મતગણતરીમાં કયા ઉમેદવારો વિજયી બને છે તેના પર સૌની નજર રહેશે.






