Gujarat Farmers: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ ખરીદીની મુદતમાં 15 દિવસનો વધારો



Gujarat Farmers
Gujarat Farmers: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ ખરીદીની મુદતમાં 15 દિવસનો વધારો



Gujarat Farmers
Gujarat Farmers: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદામાં વધુ 15 દિવસનો વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી છે. આ નિર્ણયથી યોજનામાં મંજૂરી મેળવનારા ખેડૂતોને સાધનો ખરીદવા માટે વધારાનો સમય મળશે.
ખરીદી માટે 15 દિવસની વધારાની મુદત
‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ જે ખેડૂતોની અરજી મંજૂર થઈ છે, તેઓને હવે તેમની અગાઉ નક્કી કરાયેલી છેલ્લી તારીખ બાદ વધુ 15 દિવસમાં કૃષિ સાધનોની ખરીદી પૂર્ણ કરવાની રહેશે. સાધનો સમયસર ઉપલબ્ધ ન થવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
ખેડૂતો અને આગેવાનોની રજૂઆત બાદ નિર્ણય
ચાલુ વર્ષે એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોની અરજીઓ મંજૂર થતાં કૃષિ સાધનોના ઉત્પાદકો માટે તમામ સાધનો સમયસર પહોંચાડવા મુશ્કેલી ઊભી થઈ હતી. આ અંગે ખેડૂતો ઉપરાંત ધારાસભ્યો, સાંસદો અને અન્ય આગેવાનો દ્વારા સરકાર સમક્ષ સમયમર્યાદા વધારવાની રજૂઆત કરવામાં આવી હતી.
યોજના માટે રૂ. 750 કરોડથી વધુની જોગવાઈ
વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ રૂ. 750 કરોડથી વધુની રકમની જોગવાઈ કરી છે. ‘આઈ-ખેડૂત’ પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવી હતી અને પાત્ર ખેડૂતોને કૃષિ ઓજારો તથા સાધનો ખરીદવા મંજૂરી આપવામાં આવી છે.
ઉત્પાદકોને કૃષિ મંત્રીની અપીલ
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ સાધનોના ઉત્પાદકોને ખેડૂતો સુધી સાધનો સમયસર પહોંચાડવા અપીલ કરી છે. જેથી ખેડૂતો સિઝન મુજબ પોતાના ખેતરોમાં સાધનોનો ઉપયોગ કરી શકે.
ખેડૂતોને યોજનાનો લાભ લેવા અપીલ
રાજ્ય સરકારે ખેડૂતોને આ વધારાની મુદતનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, કૃષિ યાંત્રિકીકરણથી ખેતીની કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બનવામાં મદદ મળશે.




