VGGS 2027 : 31 ઓગસ્ટે દિલ્હીમાં ‘કર્ટન રેઝર’ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે વન-ટુ-વન બેઠક



VGGS 2027
VGGS 2027 : 31 ઓગસ્ટે દિલ્હીમાં ‘કર્ટન રેઝર’ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે વન-ટુ-વન બેઠક



VGGS 2027
VGGS 2027 : આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમેરિકા અને કેનેડાની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ હવે આગામી સમિટ માટેનું કર્ટન રેઝર કાર્યક્રમ 31 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે.
31 ઓગસ્ટે દિલ્હીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ
આ કર્ટન રેઝર કાર્યક્રમ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી VGGS 2027 માટે મંચ તૈયાર કરશે. કાર્યક્રમમાં ગુજરાતમાં રોકાણની તકો અને રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાઓ અંગે ઉદ્યોગજગત તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે વન-ટુ-વન બેઠક
ભારત મંડપમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજશે. આ બેઠકો દરમિયાન ગુજરાતમાં રોકાણ, કંપનીઓની વિસ્તરણ યોજનાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થવાની છે.
હર્ષ સંઘવી પણ સંવાદ સત્રમાં જોડાશે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુખ્યમંત્રી સવારે ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ સાથેના સંવાદ સત્રને સંબોધશે. સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સંવાદ યોજાશે.
અનેક મોટા ક્ષેત્રો પર રોકાણની ચર્ચા
બેઠકો દરમિયાન રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, ફાર્મા, રેલવે, AI, ડેટા સેન્ટર્સ, IT, કેમિકલ્સ અને BFSI જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો અંગે ચર્ચા કરવામાં આવશે.
મોટી કંપનીઓ સાથે રોકાણની શક્યતાઓ
કાર્યક્રમમાં વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે. તેમાં JSW MG Motor India, Schneider Electric India, DCM Shriram, Seoul Semiconductor, Shree Cement, LG Energy Solution, JBM Group, Max Healthcare, ACME Solar, GHCL, PB Fintech અને Mankind Pharma સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતની ઔદ્યોગિક તાકાત રજૂ કરાશે
વન-ટુ-વન બેઠકો દરમિયાન ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકારલક્ષી નીતિઓ અને ટેક્નોલોજી આધારિત ટકાઉ વિકાસ અંગે ઉદ્યોગજગત સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
VGGS 2027 પહેલા યોજાનાર આ કાર્યક્રમને ગુજરાતમાં નવા રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી આકર્ષવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




