Okha Boat Fire: ઓખા નજીક મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 ખલાસીઓનો બચાવ


Okha Boat Fire:
Okha Boat Fire: ઓખા નજીક મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 ખલાસીઓનો બચાવ


Okha Boat Fire:
Okha Boat Fire: ઓખા નજીક મધદરિયે માછીમારી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓખાથી અંદાજે 25 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલી 'ફેઝાને કામુલસા' નામની બોટના એન્જિનમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં સમગ્ર બોટને પોતાની લપેટમાં લઈ લેતાં બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે બોટમાં સવાર પાંચેય ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.
સવાર ખલાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી માહિતી અનુસાર, 'ફેઝાને કામુલસા' નામની બોટ ઓખાથી આશરે 25 નોટિકલ માઈલ દૂર દરિયામાં માછીમારી કરી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સવારે અચાનક બોટના એન્જિનમાં જોરદાર ધડાકો થયો હતો. એન્જિનમાં બ્લાસ્ટ થતાં બોટમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં લાગેલી આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બોટમાં આગ લાગતાં તેમાં સવાર ખલાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ખલાસીઓને બોટ બચાવવાનો સમય પણ મળ્યો નહોતો. અંતે આગની લપેટમાં આવેલી સમગ્ર બોટ મધદરિયે જ જળસમાધિ પામી હતી. જોકે, આ ગંભીર દુર્ઘટના વચ્ચે રાહતની વાત એ છે કે બોટમાં સવાર પાંચેય ખલાસીઓ સુરક્ષિત રીતે બચી ગયા હતા. તમામ ખલાસીઓનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે.
માછીમાર સમુદાયમાં ચિંતાનો માહોલ ફેલાયો
પ્રાથમિક વિગતો અનુસાર, આ બોટ સલાયાના રહેવાસી હાસમ આદમ ચમડીયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે. બોટમાં આગ લાગવાની અને ત્યારબાદ બોટ દરિયામાં ડૂબી જવાની ઘટનાને પગલે માછીમાર સમુદાયમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં બોટ સંપૂર્ણપણે દરિયામાં ગરકાવ થઈ જતાં માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, પાંચેય ખલાસીઓનો જીવ બચી જતાં પરિવારજનો અને માછીમાર સમુદાયે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: Kalol News: છત્રાલ GIDCમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા





