Dang News: પાક વળતરની માગ સાથે મહેશ આહીરની ભૂખ હડતાળનો અંત, સાતમા દિવસે કર્યા પારણાં

Dang News: ડાંગમાં પાક વળતરની માંગ સાથે સાત દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મહેશ આહીરે ખેતીવાડી વિભાગના આશ્વાસન બાદ પારણાં કર્યા.
Kunjan Shukal
Kunjan Shukal
મહેશ આહીરની ભૂખ હડતાળનો અંતમહેશ આહીરની ભૂખ હડતાળનો અંત

મહેશ આહીરની ભૂખ હડતાળનો અંત

Dang News: ડાંગ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવાની માગ સાથે મહેશ આહીર દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળનો આજે સાતમા દિવસે અંત આવ્યો છે. ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા પાક નુકસાનના સર્વે અંગે આશ્વાસન આપવામાં આવતા મહેશ આહીરે ભૂખ હડતાળના પારણાં કર્યા હતા. જોકે, આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરના વલણને લઈને ખેડૂતો અને સમાજમાં નારાજગી જોવા મળી હતી.

ખેડૂતો આહવા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાં ખેડૂતોને થયેલા પાક નુકસાનનું યોગ્ય વળતર મળે તેવી માગ સાથે મહેશ આહીર છેલ્લા સાત દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. ખેડૂતોના પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો આહવા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સાત દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા મહેશ આહીરની તબિયત અને તેમની મુલાકાત અંગે કલેક્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતાં સમાજમાં નારાજગી ફેલાઈ હતી.

કલેક્ટરે ઉડાઉ જવાબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો

ડાંગ કલેક્ટરે ખેડૂતોને ઉડાઉ જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ મહેશ આહીર દ્વારા કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા ખેડૂતોને મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 33 ટકા પાક નુકસાન અંગેનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આ આશ્વાસન બાદ અને ખેતીવાડી અધિકારી દ્વારા હૈયાધરપત આપવામાં આવતાં મહેશ આહીરે સાત દિવસની ભૂખ હડતાળ બાદ પારણાં કર્યા હતા.

આ અંગે ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તે મુજબ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે ખેડૂતોને પાક નુકસાનનું વળતર ક્યારે અને કેટલું મળશે તેના પર સૌની નજર છે. માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ સરકાર દ્વારા વહેલી તકે નક્કર નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતોની અપેક્ષા છે.

આ પણ વાંચો: Panchmahal News: ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ગોધરાની દર્શન કેફેને સીલ મારવામાં આવ્યું