Dang : 2008ના સગીર બાળકીના અપહરણ કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયો


Dang
Dang : 2008ના સગીર બાળકીના અપહરણ કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયો


Dang
Dang : ડાંગના આહવા પોલીસને વર્ષ 2008ના સગીર બાળકીના અપહરણ કેસમાં મોટી સફળતા મળી છે. 13 વર્ષની સગીર દીકરીને ફોસલાવી બળજબરીથી અપહરણ કરી નેપાળ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ લઈ જવાના કેસમાં વર્ષોથી ફરાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો
મળતી માહિતી મુજબ, વર્ષ 2008માં 13 વર્ષની સગીર બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. આરોપી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં હોવાની બાતમી LCBને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સિદ્ધાર્થનગરના નેપાળ બોર્ડર નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસે ઈ-રિક્ષાની ઓળખ કરી તેના આધારે આરોપીને ટ્રેસ કર્યો હતો. ત્યારબાદ ભારત-નેપાળ બોર્ડરથી આશરે 2 કિલોમીટર દૂર આવેલા મીતવલ ગામ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
વર્ષોથી ફરાર આરોપીની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવ્યો હતો. આશરે 4,000 કિલોમીટરની મુસાફરી બાદ આરોપીને આહવા લાવવામાં આવ્યો છે. આ કાર્યવાહી સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહના 'નો વોન્ટેડ ઈન સાઉથ ગુજરાત' અભિયાન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી ફરાર આરોપીને અન્ય રાજ્યમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આહવા પોલીસ અને LCBની ટીમે બાતમીના આધારે ઉત્તર પ્રદેશ સુધી પહોંચીને આરોપીને ઝડપી પાડતા 18 વર્ષ જૂના કેસમાં મહત્વની પ્રગતિ થઈ છે. હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે અને કેસની વધુ તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો : Aravalli : માલપુર ફોરેસ્ટ કચેરીમાં મારપીટના ગંભીર આક્ષેપો, નિષ્પક્ષ તપાસની માગ




