Get News Alerts

Never miss breaking news updates.

Dang News : 180 કિમીની દોડથી રાહત આપો, આહવા બાર એસોસિએશનની જિલ્લા કોર્ટ માટેની માગ

Dang News : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં જિલ્લા કોર્ટ શરૂ કરવાની માગ હવે વધુ તેજ બની છે. આહવા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની કોર્ટ આહવામાં જ શરૂ કરવામાં આવે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Sep 2026 01:26 PM IST
Dang News : 180 કિમીની દોડથી રાહત આપો, આહવા બાર એસોસિએશનની જિલ્લા કોર્ટ માટેની માગDang News : 180 કિમીની દોડથી રાહત આપો, આહવા બાર એસોસિએશનની જિલ્લા કોર્ટ માટેની માગ

Dang News

Dang News : બાર એસોસિએશનનું કહેવું છે કે, આહવા ખાતે જિલ્લા કક્ષાની અનેક સરકારી કચેરીઓ કાર્યરત હોવા છતાં જિલ્લા કોર્ટની કામગીરી હજુ શરૂ થઈ નથી, જેના કારણે અસીલો, પક્ષકારો અને સ્થાનિક લોકોને લાંબા અંતરની અવરજવર કરવી પડે છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા બાદ આહવા ખાતે જિલ્લા કક્ષાની અનેક મહત્વપૂર્ણ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં વિવિધ વહીવટી અને સરકારી કામગીરી થાય છે. જોકે જિલ્લા કક્ષાની ન્યાયિક વ્યવસ્થામાં હજુ પણ મહત્વની ખામી હોવાનો મુદ્દો બાર એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

આહવાથી નવસારી સુધીની દોડ બંધ કરો

23 ઓગસ્ટ 2023ના રોજ આહવામાં ફુલ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોર્ટ માટેનું બિલ્ડિંગ તૈયાર થયા બાદ પણ આહવામાં જિલ્લા કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે જિલ્લા કક્ષાના કેટલાક મહત્વના કેસો અને ન્યાયિક કામગીરી નવસારી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો બાર એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

આહવાથી નવસારીનું અંતર આશરે 180 કિલોમીટર જેટલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આવા લાંબા અંતરના કારણે અસીલો, પક્ષકારો તેમજ વકીલોને વારંવાર નવસારી સુધી અવરજવર કરવી પડે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે લાંબી મુસાફરી, સમય અને ખર્ચનો વધારાનો બોજ ઊભો થતો હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે.

અસીલોની મુશ્કેલી દૂર કરવા આહવા બાર એસોસિએશન મેદાને

બાર એસોસિએશનનું કહેવું છે કે, જો આહવા ખાતે જ જિલ્લા કોર્ટ શરૂ કરવામાં આવે તો ડાંગ જિલ્લાના લોકોને ન્યાય મેળવવા માટે લાંબા અંતરની મુસાફરીમાંથી રાહત મળી શકે છે. સાથે જ સ્થાનિક સ્તરે ન્યાયિક સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બની શકે છે. આ મુદ્દાને લઈને આહવા બાર એસોસિએશન દ્વારા સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવમાં આહવા ખાતે જિલ્લા કોર્ટની કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

અસીલો અને સ્થાનિક નાગરિકોને પડતી મુશ્કેલીઓનો વિચાર કરીને આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હવે આહવા બાર એસોસિએશનની માંગ અને ઠરાવ બાદ સરકાર તથા સંબંધિત ન્યાયિક સત્તાધીશો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે. જિલ્લા કોર્ટ આહવામાં શરૂ થાય તો ડાંગ જિલ્લાના સ્થાનિક લોકો માટે ન્યાયિક સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બની શકે છે.

આ પણ વાંચો : Gujarat ATS Coast Guard Operation Drugs : ઈરાનથી ભારત ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ, 400 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કરાયું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે