Gujarat ATS Coast Guard Operation Drugs : ઈરાનથી ભારત ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ, 400 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કરાયું



Gujarat ATS Coast Guard Operation Drugs
Gujarat ATS Coast Guard Operation Drugs : ઈરાનથી ભારત ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું નિષ્ફળ, 400 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કરાયું



Gujarat ATS Coast Guard Operation Drugs
Gujarat ATS Coast Guard Operation Drugs : લક્ષદ્વીપની પશ્ચિમે ભારતીય જળસીમામાં એક ઈરાની બોટને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટમાંથી આશરે 526 કિલોગ્રામ હેરોઈન અને મેથામ્ફેટામાઈનનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતી છે. આ મામલે પાંચ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે.
ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી
પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદમાં ડ્રગ્સની હેરફેર અંગે એક નાઈજીરિયન વ્યક્તિ સાથે બેઠક થઈ હોવાની માહિતી ATSને મળી હતી. ત્યારબાદ ઈરાનથી દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ભારતમાં લાવવાનું કથિત કાવતરું હોવાની માહિતી સામે આવી હતી.
બાતમીના આધારે ગુજરાત ATSના અધિકારીઓએ ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. ATSના અધિકારીઓની ટીમ કોચી, કેરળ ખાતે પહોંચી હતી અને કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ટીમ બનાવીને દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન લક્ષદ્વીપની પશ્ચિમે ભારતીય જળસીમામાં બાતમી સાથે મેળ ખાતી શંકાસ્પદ ઈરાની બોટ મળી આવી હતી. કોસ્ટગાર્ડે બોટને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. સર્ચ દરમિયાન બોટમાંથી આશરે 526 કિલોગ્રામ નશીલો જથ્થો મળી આવ્યો હતો.
બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હોવાનું સામે આવ્યું છે
તેમજ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાંથી આવેલી બોટ મારફતે મળ્યો હોવાની માહિતી પૂછપરછ દરમિયાન સામે આવી હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલા કુલ જથ્થામાં આશરે 400 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન અને 126 કિલોગ્રામ હેરોઈન હોવાનું સામે આવ્યું છે. બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની ઓળખ મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરિદુલ્લાહ, અહમદ ખાન અને વાહિદુલ્લાહ ખાન તરીકે કરવામાં આવી છે.
ATS દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે આ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, તેના સપ્લાયર્સ અને ભારતમાં તેની ડિલિવરી સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કાર્યવાહી ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચેના સંકલનથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મોટા પ્રમાણમાં ડ્રગ્સની આ જપ્તીને દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની હેરફેર સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




