Ramnath Lake Dahod: દાહોદના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ, મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્ર એક્શન મોડમાં


dahod garbada historic ramnath lake
Ramnath Lake Dahod: દાહોદના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ, મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્ર એક્શન મોડમાં


dahod garbada historic ramnath lake
Ramnath Lake Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા સ્થિત ઐતિહાસિક રામનાથ તળાવનો કાયાકલ્પ કરવામાં આવશે. તળાવની ગંદકી અને દુર્દશા છુપાવવા વહીવટી તંત્ર દ્વારા પડદા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી જાતે તળાવની મુલાકાતે પહોંચ્યા હતા અને તળાવની સફાઈ તથા વિકાસ માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી.
વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો
મુખ્યમંત્રીના દાહોદ પ્રવાસ દરમિયાન રામનાથ તળાવની ગંદકી છુપાવવા માટે તંત્ર દ્વારા પડદા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ગંદકી છુપાવવાના પ્રયાસની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર પહોંચીને તળાવનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્થળ પર હાજર અધિકારીઓને તાત્કાલિક પડદા હટાવવા અને તળાવની સફાઈ હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે તળાવની હાલત સુધારવા અને તેને સ્વચ્છ બનાવવા માટે જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
બ્યુટીફિકેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી
મુખ્યમંત્રીની સૂચના બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને રામનાથ તળાવની સફાઈ તથા બ્યુટીફિકેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. તળાવમાંથી જળવનસ્પતિ અને ગંદકી દૂર કરવા માટે બે વીડ હાર્વેસ્ટિંગ મશીન મંગાવવામાં આવ્યા છે. આ મશીનોની મદદથી તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા રામનાથ તળાવને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તળાવને ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના મુખ્યમંત્રીના નિર્ણયથી ગરબાડા સહિત દાહોદ જિલ્લાના લોકોમાં નવી આશા જાગી છે.




