Garbada Ramnath Lake: ગરબાડાના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ, CMની સૂચનાના 8 કલાકમાં સફાઈ કામગીરી શરૂ

Garbada Ramnath Lake: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
ઐતિહાસિક રામનાથ તળાવમાં સફાઈ શરૂઐતિહાસિક રામનાથ તળાવમાં સફાઈ શરૂ

ઐતિહાસિક રામનાથ તળાવમાં સફાઈ શરૂ

Garbada Ramnath Lake: દાહોદ જિલ્લાના ગરબાડામાં આવેલા ઐતિહાસિક રામનાથ તળાવના કાયાકલ્પની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની સૂચનાના માત્ર 8 કલાકમાં જ તળાવની સફાઈ કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

રામનાથ તળાવની સફાઈ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્વાટિક વીડ હાર્વેસ્ટર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જેસીબી સહિતના સાધનોની મદદથી તળાવમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તળાવની આસપાસ અને પાણીમાં જામી ગયેલી જળચર વનસ્પતિ તેમજ કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તળાવની મુલાકાત દરમિયાન તેની હાલની સ્થિતિ, આસપાસના વિસ્તાર અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી તળાવના વિકાસને લગતી વિગતો મેળવી હતી અને પર્યાવરણની જાળવણી સાથે તળાવનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી.

લોકોને હરવા-ફરવા માટે સુંદર સ્થળ મળશે

તળાવના સૌંદર્યીકરણ સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે અને આ ઐતિહાસિક સ્થળને સુંદર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીની સૂચના બાદ તાત્કાલિક શરૂ થયેલી સફાઈ કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં આશા જાગી છે. રામનાથ તળાવનો કાયાકલ્પ થતાં ગરબાડાના લોકોને હરવા-ફરવા માટે સુંદર સ્થળ મળશે અને સ્થાનિક પ્રવાસનને પણ વેગ મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: White Rann Kutch: કચ્છ કલેક્ટરની ધોરડો સફેદ રણની મુલાકાત, પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા