Gujarat Political News : દેવગઢ બારિયામાં ભાજપને મોટો રાજકીય ઝટકો, પુત્ર ભાજપનો પાર્ટી પ્રમુખ, તો પિતાએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ


Gujarat Political News દેવગઢ બારીયા ભાજપ નેતા
Gujarat Political News : દેવગઢ બારિયામાં ભાજપને મોટો રાજકીય ઝટકો, પુત્ર ભાજપનો પાર્ટી પ્રમુખ, તો પિતાએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ


Gujarat Political News દેવગઢ બારીયા ભાજપ નેતા
Gujarat Political News : દેવગઢ બારિયા ભાજપના પાર્ટી પ્રમુખ હરેશભાઈ કરણસિંહના પિતા કરણ મામાએ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે. પુત્ર ભાજપના સંગઠનમાં મહત્વનું પદ ધરાવે છે, જ્યારે પિતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
કરણ મામાએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે 134 વિધાનસભાના પ્રભારી એડવોકેટ સુરેશ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ વખલા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના અગ્રણી નેતા હતા
કરણ મામા દેવગઢ બારિયા વિસ્તારમાં ભાજપના પાયાના નેતા તરીકે ઓળખાતા રહ્યા છે. તેઓ અગાઉ તાલુકા પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં, છેલ્લા આશરે 30 વર્ષથી તેઓ ખજૂરી ગામના સરપંચ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
લાંબા સમયથી સ્થાનિક રાજકારણમાં સક્રિય રહેલા કરણ મામાના પક્ષપલટાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આપેલી માહિતી મુજબ, ભાજપમાં પૂરતું માન-સન્માન નહીં મળતું હોવાની લાગણી અને પક્ષમાં અવગણના થતી હોવાના કારણે તેમણે પક્ષ બદલવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જોકે, આ અંગે કરણ મામાનું સત્તાવાર નિવેદન સામે આવે તો વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની રણનીતિ પર સૌની નજર રહેશે
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાનો વિષય પિતા-પુત્રની અલગ-અલગ રાજકીય દિશા છે. એક તરફ પુત્ર હરેશભાઈ કરણસિંહ દેવગઢ બારિયા ભાજપના પાર્ટી પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે, તો બીજી તરફ તેમના પિતા કરણ મામાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતી હોવાથી આ ઘટનાને ભાજપ માટે રાજકીય પડકાર તરીકે જોવામાં આવી રહી છે.
કરણ મામાનો લાંબો સ્થાનિક રાજકીય અનુભવ અને ગામમાં તેમની ઓળખ આગામી ચૂંટણીમાં કેટલી અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હવે દેવગઢ બારિયાના રાજકીય વર્તુળોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે કરણ મામાના કોંગ્રેસ પ્રવેશથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં કેટલો ફેરફાર આવશે? આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની રણનીતિ પર સૌની નજર રહેશે.




