Jamnagar LCB Raid: જામનગરના બેડ ગામે LCBનો દરોડો, દારૂની 95 બોટલ સાથે ત્રણ આરોપી ઝડપાયા


Jamnagar LCB Raid Liquor Seized
Jamnagar LCB Raid: જામનગરના બેડ ગામે LCBનો દરોડો, દારૂની 95 બોટલ સાથે ત્રણ આરોપી ઝડપાયા


Jamnagar LCB Raid Liquor Seized
Jamnagar LCB Raid: જામનગર જિલ્લામાં દારૂબંધી અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે જામનગર તાલુકાના બેડ ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં વિદેશી દારૂની 95 બોટલો સાથે બે પુરુષ અને એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઈંગ્લિશ દારૂની કુલ 95 બોટલો મળી આવી
મળતી માહિતી મુજબ, જામનગર LCBની ટીમને બેડ ગામમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. મકાનની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 95 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો, મોબાઇલ ફોન અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર સહિત કુલ રૂપિયા 3,18,675નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 53,675 હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડા દરમિયાન પોલીસે યશપાલસિંહ વાઘેલા, ઓમજી ઘાઘોસ અને અલવીરાબેન વાઘેલા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબીશન સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો
જોકે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. દારૂ મંગાવનાર તેમજ સપ્લાય કરનાર અન્ય શખ્સોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જામનગર LCBની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે પોલીસ તપાસમાં આ નેટવર્કના અન્ય કેટલા લોકોના નામ સામે આવે છે તે જોવું રહ્યું.





