Ahmedabad News: સાયબર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 67.92 લાખની છેતરપિંડી આચરનારા 4 આરોપીઓને ઝડપ્યા


Ahmedabad News
Ahmedabad News: સાયબર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 67.92 લાખની છેતરપિંડી આચરનારા 4 આરોપીઓને ઝડપ્યા


Ahmedabad News
Ahmedabad News: અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે અમદાવાદ અને વડોદરામાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ બેન્ક ખાતાઓ મેળવી કમિશનના આધારે દુબઈમાં મોકલતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી 30થી વધુ બેન્ક ખાતાઓની કિટ પણ મળી આવી છે.
SEBIના નામ, લોગો અને સહી-સિક્કાવાળું બનાવટી સર્ટિફિકેટ પણ મોકલ્યું
પોલીસ ફરિયાદ મુજબ, ભેજાબાજોએ ફરિયાદીનો સંપર્ક અલગ-અલગ વોટ્સએપ નંબરથી કર્યો હતો. આરોપીઓએ Julius Baer કંપનીની JB X One એપ્લિકેશન મારફતે રોકાણ કરવાથી બ્રોકરેજ ચાર્જ નહીં લાગે તેવી લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે SEBIના નામ, લોગો અને સહી-સિક્કાવાળું બનાવટી સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. આ રીતે ફરિયાદી પાસે રૂપિયા 47.14 લાખનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ ICICI Securitiesની કર્મચારી અંજુ ગર્ગ તરીકે ખોટી ઓળખ આપીને ID-QSB એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બ્લોક ટ્રેડિંગમાં એક દિવસમાં 5થી 20 ટકા નફાની લાલચ આપીને વધુ રૂપિયા 20.78 લાખ પડાવ્યા હતા. એપ્લિકેશનમાં રૂપિયા 74.32 લાખથી વધુનું બેલેન્સ બતાવવામાં આવ્યું હતું. જોકે, પૈસા ઉપાડવા જતાં 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને 4 ટકા સેસ ભરવાની માગણી કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂપિયા 67.92 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી.
રૂપિયા 50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા
સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઈરફાન શેખ, સોહેબ જોજાવરવાલા, શેહઝાદ અજમેરવાલા અને ઈસ્તિયાક રીયાવાલાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કમિશન લઈને બેન્ક ખાતાઓ મેળવી એકબીજાને આપતા હતા અને મુખ્ય આરોપી ઈસ્તિયાક આ ખાતાઓ દુબઈમાં મોકલતો હતો. તેની પાસેથી 30થી વધુ બેન્ક ખાતાઓની કિટ મળી આવી છે. આ ખાતાઓની તપાસમાં 15થી વધુ રાજ્યોમાં 80થી વધુ ફરિયાદો અને રૂપિયા 50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. પોલીસે આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Himmatnagar News: વિરાટનગર બેરણા રોડની બિસ્માર હાલત, સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી





