Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, એક જ દિવસમાં 16 સરકારી વિભાગની કામગીરીની કરી સમીક્ષા

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 નવેમ્બરે એક જ દિવસમાં 16 સરકારી વિભાગોની કામગીરી, બજેટના લક્ષ્યાંકો અને યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી.
Kunjan Shukal
Kunjan Shukal
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવાના ઉપક્રમના બીજા તબક્કામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન મુખ્યમંત્રીએ વરિષ્ઠ સચિવો, વિભાગોના વડાઓ અને નાણાં વિભાગના અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી.

કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી

આ બેઠકોમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટ અંતર્ગત વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલી યોજનાઓ, લક્ષ્યાંકો અને અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 નવેમ્બરના રોજ બપોર પહેલાં નાણાં, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, અન્ન અને નાગરિક પુરવઠા, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.

CMએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું

જ્યારે બપોર બાદ પોર્ટ્સ, વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, મહિલા અને બાળ કલ્યાણ, મહેસૂલ, રમત-ગમત અને યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાયમેટ ચેન્જ સહિતના વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી બજેટના લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ, યોજનાઓના અમલીકરણ અને અત્યાર સુધીની સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ દરેક વિભાગની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉચ્ચસ્તરીય બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજયકુમાર તેમજ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી વિભાગોની કામગીરીની આ સમીક્ષાનો હેતુ બજેટમાં નિર્ધારિત લક્ષ્યાંકોની પ્રગતિનું મૂલ્યાંકન કરી યોજનાઓના અમલીકરણને વધુ અસરકારક બનાવવાનો છે.

આ પણ વાંચો: Delimitation Bill 2026: સીમાંકન બાદ ગુજરાતની લોકસભા બેઠકો કેટલી વધશે? રાજકારણ પર શું પડશે અસર?