Chhota Udaipur: છોટાઉદેપુરમાં નસવાડીથી કવાંટનો રસ્તો બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન

Chhota Udaipur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ સુધીના મુખ્ય માર્ગની બિસ્માર હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
Chhota Udaipur Poor Road NewsChhota Udaipur Poor Road News

Chhota Udaipur Poor Road News

Chhota Udaipur: છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ સુધીના મુખ્ય માર્ગની બિસ્માર હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં તેનું કાયમી સમારકામ કરવામાં આવતું નથી. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા વારંવાર ખાડા પૂરવાની કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે રસ્તાની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

પાંચ વર્ષથી આ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરથી કવાંટ થઈ વડોદરા અને મધ્યપ્રદેશને જોડતો આ અત્યંત મહત્ત્વનો માર્ગ છે. આ રસ્તા પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. તેમ છતાં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે અકસ્માત થવાની ભીતિ પણ સતત રહે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા સમયાંતરે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં ફરી રસ્તા પર ખાડાઓ પડી જાય છે. લોકોનો સવાલ છે કે જો વારંવાર સમારકામ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, તો પછી રસ્તાની સ્થિતિમાં સુધારો કેમ થતો નથી?

કાયમી સમસ્યા ઉકેલવામાં તંત્ર રસ દાખવતું નથી

સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ગુજરાતના મુખ્યમંત્રીના આગમન સમયે રસ્તા પરના ખાડાઓ રાતોરાત પૂરી દેવામાં આવે છે, પરંતુ બે રાજ્યોને જોડતા મહત્ત્વના માર્ગની કાયમી સમસ્યા ઉકેલવામાં તંત્ર રસ દાખવતું નથી.

સરકાર દ્વારા વિકાસકાર્યો માટે નાણાંની અછત ન હોવાનું જણાવવામાં આવે છે, તો પછી આ માર્ગના નવા નિર્માણ માટે વહીવટી મંજૂરી કેમ આપવામાં આવતી નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે સ્થાનિક લોકોની માગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી રસ્તાનું કાયમી સમારકામ કરે અથવા નવા રસ્તાની મંજૂરી આપે, જેથી વાહનચાલકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે.

આ પણ વાંચો: Amit Chavda Statement on Inflation: મોંઘવારી મુદ્દે અમિત ચાવડાના નિવેદન પર ભાજપનો પલટવાર, અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર