Hafeshwar Harsh Sanghavi : હાફેશ્વરમાં 100થી વધુ હોમ સ્ટે બનાવાશે, હર્ષ સંઘવીએ યુવાનો સાથે સંવાદ કરી ટીમલીના તાલે ઝૂમ્યા


Hafeshwar Harsh Sanghavi હાફેશ્વરને ઈકો ટુરિઝમ તરીકે વિકસાવવાની જાહેરાત
Hafeshwar Harsh Sanghavi : હાફેશ્વરમાં 100થી વધુ હોમ સ્ટે બનાવાશે, હર્ષ સંઘવીએ યુવાનો સાથે સંવાદ કરી ટીમલીના તાલે ઝૂમ્યા


Hafeshwar Harsh Sanghavi હાફેશ્વરને ઈકો ટુરિઝમ તરીકે વિકસાવવાની જાહેરાત
Hafeshwar Harsh Sanghavi : આ મુલાકાત દરમિયાન તેમણે હાફેશ્વર વિસ્તારને ઈકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. સાથે જ સ્થાનિક લોકોને રોજગારીની વધુ તકો મળે તે માટે 100થી વધુ હોમ સ્ટે વિકસાવવામાં સરકાર સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.
હર્ષ સંઘવીએ સ્થાનિક કલાકારો, રમતવીરો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. તેમણે યુવાનોના સપનાઓ, કારકિર્દીની તકો અને પડકારો વિશે જાણકારી મેળવી હતી. તેમના મતે, યુવાનો સાથે સંવાદ કરવાથી નવી ઊર્જા અને કામ કરવાની પ્રેરણા મળે છે.
હર્ષ સંઘવીનો કાઉબોય લુક ચર્ચામાં
આ સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હાફેશ્વર વિસ્તારનો વિકાસ સ્થાનિક રોજગારને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે. પ્રવાસન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની સાથે સ્વચ્છતા અને મહેમાનોના આતિથ્ય માટે પણ ઉચ્ચ માપદંડો જાળવવા જરૂરી છે. આ વિકાસકાર્યોમાં સ્થાનિક આદિવાસી પરિવારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમણે અપીલ કરી હતી. યુવાનોએ પણ શિક્ષણ, રોજગાર, રમતગમત અને પ્રવાસનને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
ખજૂરિયા ગામનાં પેરાગ્લાઈડર શ્વેતા રાઠવાએ હાફેશ્વરમાં પેરાગ્લાઈડિંગની સુવિધા શરૂ કરવાની વિનંતી કરી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી સાધના તન્વીએ ડોક્ટર બની સમાજસેવા કરવાનું સપનું વ્યક્ત કર્યું હતું. સ્થાનિક પીઠોરા કલાકાર નારણ રાઠવાએ પોતાની કલાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવા સહકારની માગ કરી હતી.
હાફેશ્વરમાં 100થી વધુ હોમ સ્ટે વિકસાવાશે
ધંધોળાના ઉદ્યોગસાહસિક રાહુલ રાઠવાએ પોતાના સનસેટ કાફેના અનુભવ વિશે વાત કરી હતી. હોકી ખેલાડી ઊર્મિલા રાઠોડ અને પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર દિનેશ રાઠવાએ પણ પોતાની રમતગમતની પ્રતિભા અને અનુભવો રજૂ કર્યા હતા. હર્ષ સંઘવીએ યુવાનોની પ્રતિભા અને સાહસને બિરદાવ્યાં હતાં. તેમણે હાફેશ્વરમાં પેરાગ્લાઈડિંગની શક્યતાઓ તપાસવા તેમજ જિલ્લામાં રમતગમત માટે વિશાળ મેદાન તૈયાર કરવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે ઈકો ટુરિઝમના વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું અને દરેક પ્રોજેક્ટમાં સ્થાનિક આદિવાસીઓની રોજગારીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
યુવાનોએ ટીમલી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું, જેમાં હર્ષ સંઘવી પણ યુવાનો સાથે ટીમલીના તાલે ઝૂમ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની આ યોજના દ્વારા સ્થાનિક સંસ્કૃતિને ઓળખ અપાવવા અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.




