Naswadi Fire Incident: છોટાઉદેપુરના ધોળી કોતરડી ગામે આગનો કહેર, ચાર મકાનો બળીને ખાખ

Naswadi Fire Incident: નસવાડી તાલુકાના ધોળી કોતરડી ગામે મોડી રાત્રે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં એકસાથે ચાર મકાનોમાં આગ લાગતાં ચારેય મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા.
Kunjan Shukal
Kunjan Shukal
chhota udepur Naswadi Fire Incidentchhota udepur Naswadi Fire Incident

chhota udepur Naswadi Fire Incident

Naswadi Fire Incident: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધોળી કોતરડી ગામે મોડી રાત્રે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં એકસાથે ચાર મકાનોમાં આગ લાગતાં ચારેય મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર પરિવારોની ઘરવખરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની કિંમતી ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. દિવાળીના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાથી ચારેય પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પરિવારોને ઘરનો સામાન બહાર કાઢવાની તક ના મળી

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ચારેય પરિવારો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક મકાનોમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પરિવારોને ઘરનો સામાન બહાર કાઢવાની તક મળી નહોતી. જોકે, પરિવારના સભ્યો સમયસર ઘરની બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળે છે. આગમાં ઘરની તમામ ઘરવખરી, રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના બળીને રાખ થઈ ગયા હતા.

ફાયર ફાઈટરની સુવિધાના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં

બીજી તરફ, આ ઘટનાએ નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધાના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, છેલ્લા 10 વર્ષથી તાલુકામાં ફાયર ફાઈટરની કાયમી સુવિધા ઉપલબ્ધ નથી. આગની ઘટના બને ત્યારે છોટાઉદેપુર, બોડેલી અથવા અન્ય સ્થળેથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડે છે. ફાયર ફાઈટર પહોંચે ત્યાં સુધીમાં કલાકો વીતી જાય છે અને આગથી મોટું નુકસાન થઈ જાય છે.

સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવાની સાથે ધારાસભ્ય સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષોથી રજૂઆતો છતાં તાલુકાને ફાયર ફાઈટરની સુવિધા મળી નથી. હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં નસવાડી તાલુકાને ફાયર ફાઈટર જેવી પાયાની સુવિધા ક્યારે મળશે? ચાર પરિવારોની જિંદગીભરની કમાણી આગમાં સ્વાહા થયા બાદ તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Dahod Clash: કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પથ્થરમારો