Dahod Clash: કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પથ્થરમારો


Dahod Clash
Dahod Clash: કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પથ્થરમારો


Dahod Clash
Dahod Clash: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે. ત્રણ મહિના અગાઉ બનેલા અકસ્માતની અદાવત રાખીને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી માહિતી મુજબ, કરંબા ગામમાં ત્રણ મહિના પહેલા એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતને લઈને બંને પક્ષો વચ્ચે મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી. આ જૂની અદાવતે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે ધીંગાણું થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ઈમરજન્સી સેવા 112ને જાણ કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી 112ની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે મામલો વધુ ગંભીર બન્યો હતો.
પોલીસે આ મામલે પાંચથી વધુ લોકોને ડિટેઈન કર્યા
સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં પોલીસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. દાહોદના ASP સહિત બે DYSP, LCB અને SOGની ટીમો સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, પોલીસે આ મામલે પાંચથી વધુ લોકોને ડિટેઈન કર્યા છે. બંને પક્ષો વચ્ચે થયેલા ઘર્ષણ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં કોણ-કોણ સામેલ હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂની અદાવતના કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.




