Gujarat Energy CNG : વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો, ગુજરાત ગેસે CNGમાં ₹5નો વધારો ઝીંક્યો, નવો ભાવ ₹93.76

Gujarat Energy CNG : ગુજરાતમાં CNG વાહનચાલકો માટે મોંઘવારીના વધુ એક સમાચાર સામે આવ્યા છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Energy CNG સીએનજી ગેસના ભાવમાં વધારો થયોGujarat Energy CNG સીએનજી ગેસના ભાવમાં વધારો થયો

Gujarat Energy CNG સીએનજી ગેસના ભાવમાં વધારો થયો

Gujarat Energy CNG : આ ભાવવધારા સાથે CNGનો જૂનો ભાવ ₹88.76થી વધીને હવે ₹93.76 પ્રતિ કિલો થઈ ગયો છે. નવા ભાવ આજ રાતે 12 વાગ્યા બાદથી અમલી બનશે. એક જ દિવસમાં થયેલા આ ભાવવધારાથી કારચાલકો, રિક્ષાચાલકો અને અન્ય CNG વાહનચાલકોના ખિસ્સા પર વધુ બોજ પડશે. ગુજરાત ગેસ દ્વારા અગાઉ 18 ઓગસ્ટના રોજ પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

તે સમયે પ્રતિ કિલો ₹3.75નો વધારો થતાં ભાવ ₹85.01થી વધીને ₹88.76 થયો હતો. હવે આશરે ચાર મહિના બાદ ફરી પ્રતિ કિલો ₹5નો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે CNG ભરાવવા માટે વાહનચાલકોએ હવે અગાઉ કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે.અદાણી ગેસ બાદ હવે ગુજરાત એનર્જી એટલે કે ગુજરાત ગેસ દ્વારા પણ CNGના ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો કરવામાં આવ્યો છે.

અદાણી ગેસના ભાવ પણ ₹100ને પાર

આ અગાઉ અદાણી ગેસ દ્વારા પણ ટૂંકા ગાળામાં બે વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 23 ઓક્ટોબરના રોજ પ્રતિ કિલો ₹4.45 અને 5 નવેમ્બરના રોજ ₹2.03નો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો ₹100.77 સુધી પહોંચી ગયો હતો. હવે ગુજરાત ગેસના ભાવવધારાથી રાજ્યના CNG વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.ગેસ ખરીદીના ખર્ચમાં વધારો થવો એ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.

નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી ઉપલબ્ધતાને કારણે સ્થાનિક સ્તરે સસ્તો ગેસ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતાં CNG માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા પર અસર પડી છે.

CNG કારચાલકોના માસિક બજેટ પર સીધી અસર

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં LNGના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. આપેલી વિગતો અનુસાર, ફેબ્રુઆરી 2026માં આશરે 10થી 12 અમેરિકન ડોલર પ્રતિ MMBtu રહેલા સ્પોટ LNGના ભાવ વધીને આશરે 30 ડોલર સુધી પહોંચ્યા છે. ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં ઘટાડો થતાં કંપનીઓને મોંઘા વૈકલ્પિક સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.આ તમામ પરિબળોને કારણે ગેસ ખરીદીનો ખર્ચ વધ્યો છે.

કંપનીના જણાવ્યા મુજબ, ગ્રાહકોને અવિરત પુરવઠો જાળવી રાખવા માટે ખર્ચનો મોટો હિસ્સો કંપનીએ પોતે સહન કર્યો છે અને હવે ભાવમાં મર્યાદિત વધારો કરવો જરૂરી બન્યો છે.એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ CNGના સતત વધતા ભાવને કારણે હવે રિક્ષાચાલકો, ટેક્સીચાલકો અને CNG કારચાલકોના માસિક બજેટ પર સીધી અસર થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Abacus Competition : 8 મિનિટમાં 200 દાખલા ઉકેલવાનો પડકાર, અમદાવાદમાં 8 રાજ્યોના 1400 વિદ્યાર્થીઓએ બતાવી ગણિતની તાકાત