Abacus Competition : 8 મિનિટમાં 200 દાખલા ઉકેલવાનો પડકાર, અમદાવાદમાં 8 રાજ્યોના 1400 વિદ્યાર્થીઓએ બતાવી ગણિતની તાકાત

Abacus Competition : અમદાવાદમાં બાળકોની ગણતરી કરવાની ઝડપ, એકાગ્રતા અને યાદશક્તિની કસોટી કરતી રાષ્ટ્રીય કક્ષાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Abacus Competition રાષ્ટ્રીય કક્ષાની અનોખી સ્પર્ધાનું આયોજનAbacus Competition રાષ્ટ્રીય કક્ષાની અનોખી સ્પર્ધાનું આયોજન

Abacus Competition રાષ્ટ્રીય કક્ષાની અનોખી સ્પર્ધાનું આયોજન

Abacus Competition : બેંગલુરુ સ્થિત Qubaatic Edutech Private Limited દ્વારા શનિવારે, 14 નવેમ્બરના રોજ ચોથી રાષ્ટ્રીય અબેકસ અને માનસિક ગણિત સ્પર્ધા-2026 યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશનાં આઠ રાજ્યોમાંથી આશરે 1,400 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કેરળના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કુલ સ્પર્ધકોમાંથી 1,000 વિદ્યાર્થીઓએ વિઝ્યુઅલ કેટેગરીમાં, જ્યારે 400 વિદ્યાર્થીઓએ લિસનિંગ કેટેગરીમાં પોતાની ગણિતની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

અમદાવાદમાં રાષ્ટ્રીય અબેકસ સ્પર્ધાનું આયોજન

સ્પર્ધાનો સૌથી રસપ્રદ પડકાર હતો માત્ર આઠ મિનિટમાં ગણિતના 200 દાખલા ઉકેલવાનો. વિદ્યાર્થીઓએ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલવાના હતા. આ સ્પર્ધા માત્ર ગણતરીની ઝડપ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમાં વિદ્યાર્થીઓની ચોકસાઈ, એકાગ્રતા, યાદશક્તિ, તાર્કિક વિચારશક્તિ અને સમય વ્યવસ્થાપન કૌશલ્યની પણ કસોટી થઈ હતી.

આ પડકાર માટે વિદ્યાર્થીઓએ આશરે બે મહિના સુધી વિશેષ તાલીમ અને તૈયારી કરી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. Qubaatic Edutech Private Limitedના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને તક મળે તો દરેક બાળક પોતાની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ કરી શકે છે. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ચકાસવા, આત્મવિશ્વાસ વધારવા અને તાલીમ દરમિયાન શીખેલાં કૌશલ્યો દર્શાવવા માટે મંચ પૂરું પાડે છે.

શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફીથી સન્માન કરાયું

સંસ્થા મુખ્યત્વે 7થી 14 વર્ષનાં બાળકો માટે અબેકસ અને માનસિક ગણિતના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. આ તાલીમ દ્વારા ગણતરીની ઝડપ, એકાગ્રતા, યાદશક્તિ, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બેંગલુરુ સ્થિત Qubaatic ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, વિયેતનામ અને ઘાના સહિત છ દેશોમાં કાર્યરત છે.

ભારતમાં સંસ્થાનું નેટવર્ક 150થી વધુ કેન્દ્રો અને 50થી વધુ શાળાઓ સુધી વિસ્તરેલું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલી આ ચોથી રાષ્ટ્રીય સ્પર્ધા ઉપરાંત સંસ્થા અત્યાર સુધીમાં ચાર રાજ્યકક્ષાની અને પાંચ ઝોનલ કક્ષાની સ્પર્ધાઓ યોજી ચૂકી છે. મે 2025માં દુબઈ ખાતે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધાએ દેશભરના યુવા વિદ્યાર્થીઓને પોતાની ગણિતીય પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય મંચ પૂરો પાડ્યો હતો.

આ પણ વાંચો : Jalaram Jayanti 2026 : વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતીએ ભક્તિનો મહેરામણ, 227 કિલો બુંદીના પ્રસાદનું ભકતોને કરાયું વિતરણ