Botad : ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન નાવ પલટી, 6 લોકોનો આબાદ બચાવ


Botad
Botad : ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન નાવ પલટી, 6 લોકોનો આબાદ બચાવ


Botad
Botad : બોટાદ જિલ્લાના ગઢડામાં જળઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન ઘેલો નદીના રમા ઘાટ પર નાવડી પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે નદીમાં પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. નાવડીમાં સવાર સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન સહિત કુલ 6 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
નાવડી નદીમાં જતાં અચાનક પલટી ગઈ
મળતી માહિતી મુજબ, જળઝીલણી એકાદશી નિમિત્તે ગોપીનાથજી દેવ મંદિરથી શોભાયાત્રા સાથે ભગવાનને રમા ઘાટ ખાતે લાવવામાં આવ્યા હતા. વર્ષોથી પરંપરાગત રીતે રમા ઘાટ ખાતે જળઝીલણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન-અર્ચન કર્યા બાદ ભગવાનને ઘેલો નદીમાં સ્નાન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને સ્નાન કરાવવાની વિધિ શરૂ થાય તે પહેલાં જ પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીમાં 6 લોકો સવાર થયા હતા. નાવડી નદીમાં જતાં અચાનક પલટી ગઈ હતી. નાવડીમાં સાધુ-સંતો, સેવકો અને કેમેરામેન પણ સવાર હોવાનું જાણવા મળ્યું છે.
તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ
નાવડી પલટતા જ ઘટનાસ્થળે હાજર પોલીસ તેમજ સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ 6 લોકોને સલામત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘેલો નદીના રમા ઘાટ ખાતે આશરે 4 ફૂટ જેટલું પાણી હોવાનું જાણવા મળ્યું છે. પાણીની ઊંડાઈ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, નાવડીમાં વધુ વજન થઈ જતાં તે પલટી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અફરાતફરીનો માહોલ સર્જાયો
ઘટના સમયે જળઝીલણી એકાદશીની ઉજવણી માટે હજારોની સંખ્યામાં ભાવિકો તેમજ સાધુ-સંતો ઉપસ્થિત હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ભગવાનને સ્નાન કરાવાય તે પહેલાં જ નાવડી પલટી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તમામ 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી છે.
આ પણ વાંચો : ડુંગળીના ભાવમાં ઉછાળો: ‘ગરીબોની કસ્તુરી’ હવે બની મોંઘી, સુરતમાં ભાવ ₹1100 સુધી પહોંચ્યો





