Bhavnagar News: મહુવાના ઊંચા કોટડા બીચ પર જીવલેણ બેદરકારી! દરિયામાં કાર ઉતારતા બે વાહનો રેતીમાં ફસાયા


Bhavnagar News
Bhavnagar News: મહુવાના ઊંચા કોટડા બીચ પર જીવલેણ બેદરકારી! દરિયામાં કાર ઉતારતા બે વાહનો રેતીમાં ફસાયા


Bhavnagar News
Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પ્રસિદ્ધ ઊંચા કોટડા દરિયાઈ બીચ પર પ્રવાસીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. દરિયામાં ફરવા પહોંચેલા પ્રવાસીએ જોખમી રીતે પોતાની વેગેનાર ફોરવ્હીલ કાર સીધી દરિયાની રેતીમાં ઉતારી દીધી હતી. જોકે, કાર દરિયાકિનારે રેતીમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મદદ માટે આવેલી બીજી સુપર કેરી ગાડી પણ રેતીમાં ફસાઈ ગઈ હતી. આખરે ટ્રેક્ટરની મદદથી બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર
મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન ઊંચા કોટડા ધામના દરિયાઈ બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન એક પ્રવાસીએ દરિયાઈ બીચ પર જોખમી રીતે વેગેનાર કાર દરિયાની રેતીમાં ઉતારી હતી. દરિયાકિનારે વાહન ચલાવતી વખતે કાર રેતીમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ કારને બહાર કાઢવા માટે સુપર કેરી વાહન બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે કારને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે સુપર કેરી પણ રેતીમાં ફસાઈ ગઈ હતી.
ભારે જહેમત બાદ ગાડી બહાર કાઢી
બંને વાહનો ફસાઈ જતાં પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. અંતે ટ્રેક્ટર બોલાવી બંને વાહનોને દોરડા વડે બાંધીને ભારે જહેમત બાદ દરિયાકિનારાની રેતીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે દરિયાઈ બીચ પર પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. દિવાળીના વેકેશનમાં ઊંચા કોટડા ધામ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તેમ છતાં સુરક્ષા માટે હોમગાર્ડ કે અન્ય સુરક્ષા દળોની પૂરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
દરિયામાં વાહનો ઉતારવા જેવી જોખમી પ્રવૃત્તિઓને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તેવા સવાલો પણ ઊભા થયા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ તંત્ર પાસે બીચ પર સુરક્ષા વ્યવસ્થા વધારવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.




