Bhavnagar News: મોખડાજી સર્કલ નજીક લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, SMCની મોટી કાર્યવાહી


Bhavnagar News
Bhavnagar News: મોખડાજી સર્કલ નજીક લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, SMCની મોટી કાર્યવાહી


Bhavnagar News
Bhavnagar News: ભાવનગર શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂનો વેપાર કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના મોખડાજી સર્કલ નજીક બાંભણીયાના કારખાના પાસે કરવામાં આવેલી રેડ દરમિયાન લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ખાસ વાત એ છે કે ઘોઘારોડ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે દારૂનો જથ્થો ઝડપાતાં પોલીસ બેડામાં પણ ચર્ચા જાગી છે.
14.15 લાખનો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ભાવનગરના મોખડાજી સર્કલ નજીક વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે SMCની ટીમે બાંભણીયાના કારખાના નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન એક ઈકો કારમાંથી રૂપિયા 9.10 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન SMCએ હેમુ લક્ષ્મણ ચૌહાણ અને મહેશ કાનજી બારૈયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 14.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર વિસ્તારમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની
જોકે, આ સમગ્ર કેસમાં અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાનું સામે આવ્યું છે. જેમાં અર્જુન મકવાણા, મયુર ચૌહાણ અને મુકેશ ઉર્ફે મુન્નો ચૌહાણનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. SMCએ ઝડપાયેલા બંને આરોપીઓ, વિદેશી દારૂનો જથ્થો અને કબજે કરેલો મુદ્દામાલ આગળની તપાસ માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હાલ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનની નજીક જ આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.




