Dahod News: હરિદ્વાર ટૂરના નામે મોટી ઠગાઈ, 86 લોકો પાસેથી રૂપિયા 3.61 લાખ ઉઘરાવી આરોપીઓ ફરાર

Dahod News: ધાર્મિક યાત્રાના નામે લોકોને આકર્ષિત કરી અંદાજે 86 લોકો પાસેથી કુલ રૂપિયા 3.61 લાખ જેટલી રકમ ઉઘરાવી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Dahod NewsDahod News

Dahod News

Dahod News: દાહોદમાં હરિદ્વાર ટૂરના નામે લોકો સાથે છેતરપિંડી કર્યાનો મોટો મામલો સામે આવ્યો છે. ધાર્મિક યાત્રાના નામે લોકોને આકર્ષિત કરી અંદાજે 86 લોકો પાસેથી કુલ રૂપિયા 3.61 લાખ જેટલી રકમ ઉઘરાવી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે દાહોદમાં ઠગાઈનો ભોગ બનેલા લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

86 જેટલા લોકોએ ટૂર માટે રકમ જમા કરાવી હતી

મળતી માહિતી અનુસાર, દાહોદના ગોધરા રોડ પર આવેલા ચામુંડા કોમ્પ્લેક્સમાં એક દુકાન ભાડે રાખીને હરિદ્વાર ટૂરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી પેમ્પલેટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં એક વ્યક્તિ દીઠ રૂપિયા 4,200 ફી નક્કી કરવામાં આવી હતી. લોકોને ધાર્મિક કથામાં જોડાવાની સાથે ભરેલી રકમ કટકે-કટકે પરત મળવાની લાલચ પણ આપવામાં આવી હતી. આકર્ષક ઓફર અને ધાર્મિક યાત્રાની જાહેરાતથી પ્રભાવિત થઈ દાહોદના અંદાજે 86 જેટલા લોકોએ ટૂર માટે રકમ જમા કરાવી હતી. જોકે, લોકો પાસેથી નાણાં એકત્ર કર્યા બાદ સંડોવાયેલા શખ્સો અચાનક ગાયબ થઈ ગયા હતા. આ રીતે કુલ રૂ. 3,61,000 જેટલી રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.

દાહોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી

આ મામલે પ્રાથમિક રીતે વિષ્ણુસિંહ નટવરસિંહ પરમાર, શૈલેષ ધનસિંહ પરમાર, નટવર પૃથ્વી પરમાર, લક્ષ્મણ ચંદ્ર ઠાકોર અને ટીનાભાઈ નામના વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ નામો સાચાં છે કે ખોટાં તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાહોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધાર્મિક યાત્રાના નામે થયેલી આ ઠગાઈને પગલે નાગરિકોને પણ આવી આકર્ષક ઓફરોમાં નાણાં આપતા પહેલાં પૂરતી ખરાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ પણ વાંચો: Bhavnagar News: મહુવા માર્કેટયાર્ડમાં લાભપાંચમથી રાબેતા મુજબ હરાજી શરૂ, 51,000 મણ મગફળી અને 41,000 ગુણી લાલ ડુંગળીની આવક