Bhavnagar : જન્માષ્ટમી મેળામાં નકલી પોલીસ બની ફરતો શખ્સ ઝડપાયો, ખોટું PSI નું ID કાર્ડ મળ્યું



Bhavnagar Fake PSI
Bhavnagar : જન્માષ્ટમી મેળામાં નકલી પોલીસ બની ફરતો શખ્સ ઝડપાયો, ખોટું PSI નું ID કાર્ડ મળ્યું



Bhavnagar Fake PSI
Bhavnagar : ઘોઘારોડ પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવતા એક શખ્સ નકલી પોલીસ ID કાર્ડ સાથે ઝડપાયો હતો. તેની પાસેથી ગાંધીનગર SIT ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેનું બનાવટી ઓળખપત્ર મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે મેળામાં ફરી રહ્યો છે અને અલગ-અલગ રાઈડમાં બેસીને મજા માણી રહ્યો છે.
બાતમીના આધારે ઝડપાયો શખ્સ
બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સને ઝડપી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ‘ગુજરાત પોલીસ’ ગાંધીનગર SIT ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ-કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં અન્ય વ્યક્તિનું નામ દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા શખ્સની ઓળખ જગદીશ ડાહ્યાભાઈ મકવાણા તરીકે થઈ છે. તે ભુંભલી રામપર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં આરોપી રત્નકલાકાર હોવાનું પણ સામે આવ્યું છે. નકલી પોલીસ ઓળખપત્ર સાથે મેળામાં ફરવાના મામલે ઘોઘારોડ પોલીસે બનાવટી ID કાર્ડ કબજે કરી આરોપી વિરુદ્ધ BNSની કલમ 204 હેઠળ ગુનો નોંધ્યો છે.
નકલી કાર્ડ કોણે બનાવી આપ્યું તે દિશામાં પોલીસે તપાસ કરી શરૂ
હવે પોલીસે આ નકલી ઓળખપત્ર ક્યાંથી બનાવડાવવામાં આવ્યું હતું અને તેનો અગાઉ કોઈ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ નકલી PSIની ઓળખ ધારણ કરીને કોઈ વ્યક્તિને પ્રભાવિત કર્યો હતો કે નહીં અથવા કોઈ અન્ય પ્રકારનો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ. જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર વચ્ચે નકલી પોલીસ ઓળખ સાથે શખ્સ ઝડપાતા પોલીસની સતર્કતા પણ સામે આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો.હાલ પોલીસે નકલી ID કાર્ડ કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નકલી પોલીસ ઓળખનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો અને તેની પાછળ કોઈ અન્ય હેતુ હતો કે કેમ તે તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસની ઓળખનો દુરુપયોગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મેળા જેવા જાહેર સ્થળોએ પોલીસ દ્વારા સુરક્ષા તથા પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



