Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટઃ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

Bhavnagar Development Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને ₹738.09...
R Gajjar
R GajjarUpdated on: 25 Sep 2026 03:47 PM IST
ભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટઃ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટઃ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

Bhavnagar Development Projects

Bhavnagar Development Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા તથા વિકાસકાર્યોમાં જનભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતાં સ્વચ્છ શહેર માટે નાગરિકોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી.

પાણી અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર

મુખ્યમંત્રીએ વિકાસની સાથે ભાવિ પેઢી માટે પાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ‘કેચ ધ રેઇન’ જેવી પહેલોને જનભાગીદારીથી આગળ વધારવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભૂગર્ભજળના રિચાર્જ માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન કરીને ટકાઉ વિકાસ તરફ આગળ વધવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.

નવી કલેક્ટર કચેરી સહિત અનેક કામો

ભાવનગર જિલ્લામાં ₹33 કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના ₹621.63 કરોડના 30 વિકાસકામો, માર્ગ અને મકાન વિભાગ-રાજ્યના ₹13.19 કરોડના એક કામ, માર્ગ અને મકાન વિભાગ-પંચાયતના ₹57.03 કરોડના 46 કામો તથા પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના ₹13.24 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રીતે શહેર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા કુલ 79 વિકાસકાર્યોનો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને કનેક્ટિવિટીનો ઉલ્લેખ

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગર માટે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ તરીકે ઉલ્લેખ કર્યો હતો. ભાવનગરમાં શરૂ થયેલા SIPPA પ્રાદેશિક તાલીમ કેન્દ્રથી સૌરાષ્ટ્રના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સ્થાનિક સ્તરે તાલીમની તક મળશે. PIB મુજબ આ કેન્દ્રથી ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને પણ લાભ મળશે. તેમણે નારી ખાતે STPI માટે જમીન ફાળવણીથી IT ક્ષેત્રમાં રોજગારીની તકો વધવાની વાત કરી હતી. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધજનો અને દિવ્યાંગોને સહાયક સાધનો આપવાની કામગીરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

₹650 કરોડના બ્રિજ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે ₹650 કરોડના બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને રાજકોટ, સોમનાથ તથા ધોલેરા સહિતના વિસ્તારો સાથેની અવરજવર સરળ બનાવવામાં મદદ મળશે.

લાભાર્થીઓને કિટ અને આવાસની ચાવી અપાઈ

કાર્યક્રમ દરમિયાન વયોશ્રી યોજનાના પાંચ લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 13 સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, ઊર્જા અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્યો, મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]