Get News Alerts

Never miss breaking news updates.

Agriculture News : ફૂલની ખેતીમાં ખિલ્યું નસીબ, ભાવનગરના ખેડૂતે 5 વીઘામાં ગલગોટાનું વાવેતર કર્યું

Agriculture News : પરંપરાગત ખેતીમાં યોગ્ય ઉત્પાદન અને વળતર ન મળતા ખેડૂતો હવે નવીન ખેતી તરફ વળી રહ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Sep 2026 11:02 AM IST
Agriculture News : ફૂલની ખેતીમાં ખિલ્યું નસીબ, ભાવનગરના ખેડૂતે 5 વીઘામાં ગલગોટાનું વાવેતર કર્યુંAgriculture News : ફૂલની ખેતીમાં ખિલ્યું નસીબ, ભાવનગરના ખેડૂતે 5 વીઘામાં ગલગોટાનું વાવેતર કર્યું

Agriculture

Agriculture News : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત દિલીપસિંહ ગોહિલે ખેતીમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. કપાસ, મગફળી અને ડુંગળી જેવા પરંપરાગત પાકોની જગ્યાએ તેમણે આ વર્ષે પ્રથમ વખત ગલગોટાની ખેતી શરૂ કરી છે.

ભાવનગરના ખેડૂતનો અનોખો પ્રયોગ

દિલીપસિંહ ગોહિલે અંદાજે પાંચ વીઘા જમીનમાં ગલગોટાનું વાવેતર કર્યું છે. ખાસ વાત એ છે કે ગલગોટાની ખેતી કરવાનો વિચાર તેમને અગાઉના એક અનુભવમાંથી આવ્યો હતો. અગાઉ તેમણે ખેતરમાં તરબૂચનું વાવેતર કર્યું હતું. તરબૂચના પાકમાં ફલીનીકરણ માટે મધમાખીઓ લાવવામાં આવી હતી.

તે સમયે ખેતરની બોર્ડર ફરતે ગલગોટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. બોર્ડર પર ઉગેલા ગલગોટામાંથી જ તેમને અંદાજે 10થી 15 હજાર રૂપિયાનું વેચાણ થયું હતું. માત્ર બોર્ડર પરના વાવેતરમાંથી સારી આવક થતાં દિલીપસિંહને વિચાર આવ્યો કે જો ગલગોટાનું વ્યવસ્થિત અને મોટા પાયે વાવેતર કરવામાં આવે તો તેમાંથી વધુ સારી રોકડી આવક મેળવી શકાય. આ વિચાર સાથે તેમણે આ વર્ષે પાંચ વીઘા જમીનમાં ગલગોટાની ખેતી શરૂ કરી છે.

ખેતી માટે જમીનને ખેડ કરીને ફળદ્રુપ બનાવવામાં આવી હતી

ત્યારબાદ બેડ તૈયાર કરી તેના ઉપર મલચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગલગોટાના છોડ નમી કે ભાંગી ન જાય તે માટે ખેતરમાં બંને બાજુ દોરી અને લોખંડના પોલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખેડૂતના જણાવ્યા મુજબ, વાવેતર બાદ અંદાજે બે મહિનામાં ગલગોટામાં ઉત્પાદન શરૂ થઈ જાય છે. ગલગોટાની ખાસિયત એ છે કે તેનું વેચાણ રોજિંદા ધોરણે થતું હોવાથી ખેડૂતોને સતત રોકડી આવક મળી શકે છે.

હાલ દિલીપસિંહ અલગ-અલગ વેપારીઓ અને બજારોમાં ગલગોટાનું વેચાણ કરી રહ્યા છે, જ્યાં તેમને કિલોદીઠ અંદાજે 40થી 50 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. આ વર્ષે પ્રથમ વખત મોટા પાયે ગલગોટાનું વાવેતર કર્યું હોવાથી કુલ ઉત્પાદન અને અંતિમ આવકનો ચોક્કસ અંદાજ હજુ નથી. જોકે, પરંપરાગત ખેતી સાથે નવીન પાક અને બજારની માંગને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ખેડૂતો માટે આવકના નવા રસ્તા ઊભા થઈ શકે છે, તેનું આ ઉદાહરણ બની રહ્યું છે.

આ પણ વાંચો : Surat ના વોર્ડ-17માં કચરો ફેંકવાનું ષડયંત્ર? રિક્ષામાં ભરેલો હોટફિક્સિંગ કચરો ફેંકાય તે પહેલા ઝડપી પડાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે