Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરમાં ‘ઠક-ઠક ગેંગ’નો પર્દાફાશ, 2 બાળકો સહિત 3 ઝડપાયા; 8 ચોરીના ગુના ઉકેલાયા

Trichy Gang Ankleshwar: શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ એટલે કે ‘ઠક-ઠક ગેંગ’નો અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ...
R Gajjar
R GajjarUpdated on: 06 Sep 2026 07:44 PM IST
અંકલેશ્વરમાં ‘ઠક-ઠક ગેંગ’નો પર્દાફાશ, 2 બાળકો સહિત 3 ઝડપાયા; 8 ચોરીના ગુના ઉકેલાયાઅંકલેશ્વરમાં ‘ઠક-ઠક ગેંગ’નો પર્દાફાશ, 2 બાળકો સહિત 3 ઝડપાયા; 8 ચોરીના ગુના ઉકેલાયા

Trichy Gang Ankleshwar

Trichy Gang Ankleshwar: શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ એટલે કે ‘ઠક-ઠક ગેંગ’નો અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકોને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન ભરૂચ સહિત પાંચ જિલ્લાઓમાં થયેલા 8 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ ડેકી તોડી ચોરી

ગત 31 ઓગસ્ટે અંકલેશ્વર સર્કલ ત્રણ રસ્તા નજીક બેંક ઓફ બરોડામાંથી એક નાગરિકે રૂ.1 લાખ રોકડા ઉપાડ્યા હતા. રોકડ રકમ એક્ટિવા સ્કૂટરની ડેકીમાં મૂકીને તેઓ ચોટા બજાર ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ સ્કૂટરની ડેકી તોડી અંદરથી રૂ.1 લાખ રોકડા અને મહત્વના દસ્તાવેજોની ચોરી કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

400થી વધુ CCTV કેમેરા ચકાસ્યા

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડિવિઝન પીઆઈ પી.જી. ચાવડા અને ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે અંકલેશ્વર અને સુરત વિસ્તારમાં 400 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજના આધારે મળેલી બાતમીના આધારે પોલીસે સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા. પોલીસે મૂળ તમિલનાડુના ત્રિચીનો અને હાલ ઈટારવા, પલસાણા ખાતે રહેતા ડી. વેંકટેશ દુરાઈ રાજ ગોંડર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકોની અટકાયત કરી હતી.

તમિલ ભાષા જાણતા આરોપીની ઓનલાઈન ટ્રાન્સલેશનથી પૂછપરછ

પકડાયેલા મુખ્ય આરોપીને માત્ર તમિલ ભાષા આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન મોડ્યુલની મદદથી તેની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ભરૂચ, વડોદરા, વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં કરવામાં આવેલી કુલ 8 ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી બે બાઈક અને રૂ.5,020 રોકડા સહિત રૂ.1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

‘પૈસા નીચે પડી ગયા છે’ કહી ધ્યાન ભટકાવતા

પોલીસ તપાસમાં ગેંગની ચોરી કરવાની રીત પણ સામે આવી છે. આ ગેંગ ખાસ કરીને બેંક અને ભીડભાડવાળા બજારોની બહાર રેકી કરતી હતી. વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે તેઓ ‘તમારા પૈસા નીચે પડી ગયા છે’ અથવા ‘તમારી ગાડીમાંથી ઓઈલ લીક થાય છે’ જેવી વાતો કરતા હતા. વાહનચાલક ચેક કરવા માટે નીચે ઉતરે તે દરમિયાન ગેંગના સભ્યો વાહનમાંથી રોકડ અથવા કિંમતી સામાન ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ પ્રકારની યુક્તિને કારણે આ ગેંગને ‘ઠક-ઠક ગેંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

સંગઠિત ગુનાની કલમો હેઠળ કાર્યવાહી

અંકલેશ્વર પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાની કલમો ઉમેરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ પી.જી. ચાવડા, પીએસઆઈ ડી.બી. જેબલિયા સહિત સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]