પંડવાઈ સુગરની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ: ઈશ્વરસિંહ પટેલ સામે વલ્લભ પટેલ મેદાનમાં


Pandvai Sugar Election
પંડવાઈ સુગરની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ: ઈશ્વરસિંહ પટેલ સામે વલ્લભ પટેલ મેદાનમાં


Pandvai Sugar Election
Pandvai Sugar Election: ભરૂચ જિલ્લાના હાંસોટની પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે આ ચૂંટણીમાં હવે 'ભાઈ સામે ભાઈ'નો મુકાબલો જોવા મળશે.
16 બેઠકો માટે ઉમેદવારી નોંધાઈ
પંડવાઈ સુગરની ચૂંટણી માટે અંકલેશ્વર એસ.ડી.એમ. કચેરી ખાતે બંને પેનલના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સહકાર પેનલ તરફથી 15 ઉત્પાદક અને 1 બિન-ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. બીજી તરફ વલ્લભ પટેલ પ્રેરિત વિરોધી પેનલ તરફથી 10 બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે. જેના કારણે 5 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, અંતિમ ચિત્ર ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.
હજારો સમર્થકો સાથે ઈશ્વરસિંહ પટેલનું શક્તિપ્રદર્શન
રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી શક્તિપ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યા હતા. ઈશ્વરસિંહ પટેલે પંડવાઈ સુગરના અત્યાર સુધીના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, 1998માં ફેક્ટરીનો વહીવટ સોંપાયો ત્યારે ફેક્ટરી પર આશરે રૂ.40 કરોડનું દેવું હતું. ત્યારબાદ દેવું ચૂકવી ફેક્ટરીને દેવા મુક્ત કરવામાં આવી હતી.
2,500થી 5,000 ટન સુધી પ્લાન્ટનું વિસ્તરણ
ઈશ્વરસિંહ પટેલના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં 2,500 ટન પ્રતિદિનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું વિસ્તરણ કરીને તેને 5,000 ટન ક્ષમતા સુધી લઈ જવાયો છે. આ ઉપરાંત 2007-08 દરમિયાન 30 હજાર લીટર ક્ષમતાનો ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેની ક્ષમતા બાદમાં વધારીને 60 હજાર લીટર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિરોધી પેનલ પાસે પૂરતા ઉમેદવારો નહીં હોવાનો દાવો
ઈશ્વરસિંહ પટેલે વિરોધી પેનલ પર પ્રહાર કરતાં દાવો કર્યો હતો કે તેમની પાસે તમામ 16 ઝોન માટે પૂરતા ઉમેદવારો પણ નથી અને મર્યાદિત ઝોનમાં જ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે અગાઉની ચૂંટણીઓમાં 80-20નો રેશિયો રહેતો હતો, પરંતુ આ વખતે મળેલા પ્રતિસાદને જોતા તેમની સહકાર પેનલને 90 ટકાથી વધુ સમર્થન મળશે.
6,500 સભાસદોની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો
પંડવાઈ સુગરમાં આશરે 6,500 સભાસદો છે. આ ચૂંટણીમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતરીને ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે. વલ્લભ પટેલ પ્રેરિત પેનલ તરફથી કુલ 12 ફોર્મ ભરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે અંતિમ દિવસે કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
25 ઓગસ્ટે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે
ચૂંટણી પ્રક્રિયા મુજબ 24 ઓગસ્ટે ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયાની અંતિમ તારીખ છે. ત્યારબાદ 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. પંડવાઈ સુગરની ચૂંટણી માટે 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 6 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. હવે ભાઈ સામે ભાઈના આ રાજકીય-સહકારી મુકાબલામાં સભાસદો કોના પક્ષે મતદાન કરે છે તેના પર સૌની નજર છે.




